ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે રવિવારે પાંચેગચ્છનું સ્વામી વાત્સલ્ય જૈન પુરીમાં યોજાશે.
પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવાશે.
માંડવી તા. ૦૫/૦૭
રમણીય સમુદ્ર કાંઠે વસેલા માંડવી નગરે 7મી જુલાઈને રવિવારના રોજ આધ્યાત્મિક ઊર્જા સાથે સંસ્કારોની સુગંધ થી સુશોભિત ચાતુર્માસ પ્રવેશોત્સવ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં દબદબાભેર ઉલ્લાસભેર ઉજવાશે.
જ્ઞાન જ્યોતિર્ધર, પુણ્યમૂર્તિ, સૌમ્ય સ્વભાવી, પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યશોવિજય સુરીશ્વરજી મહારાજ આદીઠાણા ૪ તથા પરમ પૂજ્ય બાપજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય સરળ સ્વભાવી આચાર્ય ભગવંત શ્રી પુંડરીકરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તીની પૂજ્ય સાધ્વીજી ભગવંત કલાવતીશ્રીજી મહારાજ આદિઠાણા નો ચાતુર્માસ મંગલ પ્રવેશ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ માંડવી નગરે તા. ૦૭/૦૭ને રવિવારના સવારના 8:30 કલાકે, માંડવીના પાંચેયગચ્છના ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં મહાવીર બેન્ડ પાર્ટીના સૂરો સાથે, તળાવવાળા નાકા પાસેથી ભવ્યાતીભવ્ય સામૈયા સાથે થનાર હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે રવિવારે માંડવીના પાંચેયગચ્છનું સ્વામીવાત્સલ્ય જૈનપુરીમાં રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પાંચેયગચ્છના આયંબિલ આયંબિલ શાળામાં કરાવવામાં આવશે.
રવિવારના તળાવવાળા નાકા પાસેથી પ્રસ્થાન થઈ ભવ્યાતિભવ્ય સામૈયુ માંડવીના મુખ્ય મુખ્ય માર્ગો એથી ફરીને જૈનપુરી પહોંચશે. જ્યાં જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજા માંગલિક ફરમાવશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ જૈનાચાર્ય આદિઠાણા 4, અમદાવાદથી 1000(એક હજાર) કિલોમીટરનું ઉગ્ર પગપાળા વિહાર કરીને, માંડવી ચાતુર્માસાર્થે આવેલ છે. બે વર્ષ પહેલા આ જૈનાચાર્ય ની નિશ્રામાં ભુજમાં 216 તપસ્વીઓએ માસક્ષમણ (30 ઉપવાસ)ની આરાધના નિર્વિઘ્ને કરી હતી.
જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજા આદિઠાણાના ચાતુર્માસ નો લાભ માંડવી શહેરને મળતા માંડવીમાં માત્ર તપગચ્છ જૈન સંઘ જ નહી પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છના શ્રાવક શ્રાવિકાઓમાં આનંદની લાગણી ફેલાઈ છે
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા