દવાઓ, એક્સ રે, ઇ.સી.જી. અને આર.બી.એસ.ની નિઃશુલ્ક સેવા કરાઈ.
ઓપરેશન લાયક દર્દીઓના આયુષ હોસ્પિટલ ભુજમાં ઓપરેશનો પણ નિઃશુલ્ક કરી અપાશે.
કેમ્પમાં વતન પ્રેમી દાતાએ સંસ્થાને રૂપિયા 1,11, 111/- જેવી માતબર દાનની જાહેરાત કરાઈ.
આયુષ હોસ્પિટલ ભુજ અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીનું સંયુક્ત આયોજન.
માંડવી બંદરીય માંડવી શહેરમાં માંડવી-ભુજ હાઇવે પર આવેલી જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલમાં તા.15/9 ને રવિવારના રોજ આયુષ હોસ્પિટલ ભુજ અને માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો.
જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલના પરિસરમાં નવકાર મહામંત્રના સ્મરણથી કેમ્પનો શુભારંભ થયા બાદ જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ શ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવીએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મુકતા સૌને આવકારીને જણાવ્યું હતું કે કેન્સર એટલે કેન્સર નહીં, વહેલું નિદાન આપે જીવત દાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે 32 વર્ષથી કાર્યરત આ હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી બધા રોગોનું નિદાન અને સારવાર અહીં અત્યંત રાહતદરે કરવામાં આવે છે. ડાયાલીસીસ સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે છે. જ્યારે દવાઓ 50% (પચાસ ટકા) રાહત ભાવે આપવામાં આવે છે. તેમણે આવનારા દિવસોમાં દર્દીઓને વધુ સેવા કરવાની નેમ વ્યક્ત કરવામાં આવે છે.
આયુષ હોસ્પિટલ ભુજના ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડૉ. ઉપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વહેલું નિદાન જરૂરી છે. નિદાન પછી જ સારવાર કરી શકાય છે. તેમણે માંડવીની જનકલ્યાણ હોસ્પિટલના ટ્રસ્ટીઓને અભિનંદન આપી, હોસ્પિટલ દ્વારા ૩૨ વર્ષથી કરાતી સેવાને બિરદાવીને વધુમાં જણાવ્યું હતું કે, હવેથી દર અઠવાડિયે અમારી આયુષ હોસ્પિટલના ડૉક્ટરો માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં સેવા માટે આવશે. તેવી જાહેરાત કરી હોવાનું જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
આ કેમ્પમાં મૂળ મોટી રાયણના પરંતુ હાલમાં મુંબઈ રહેતા વતન પ્રેમી દાતા મીનાક્ષીબેન લલીતભાઈ છેડા તરફથી માંડવીની આ સંસ્થાને રૂપિયા 1,11,111(એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર)નું માતબર દાન આપવાની જાહેરાત સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે કરી હતી.
આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં ડૉ. જેનીલ પટેલ (કાર્ડીયોલોજી), ડૉ. હિતેશ ભાલ્યા (ન્યુરો સર્જરી), ડૉ. સચીન મિસાળ (ન્યુરો સર્જરી), ડૉ. ઉપેન્દ્રસિંહ વાઘેલા (ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ), ડૉ. આર્શ રાઠોડ (ગોઠણ તથા થાપાના નિષ્ણાંત), ડૉ. શ્યામ ત્રિવેદી (જનરલ સર્જરી), ડૉ. ખુશ્બુ ચાંગાણી (મેકસીલો ફેશિયલ સર્જન), ડૉ. નૈનેશ શાહ (ફિઝિશિયન), ડૉ. જીનલ આથા (ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. દીજ્ઞા પટેલ (ડેન્ટલ સર્જન), ડૉ. ભૂમિત માલી (મેડિકલ ઓફિસર) એ દર્દીઓનો નિદાન કરીને યોગ્ય માર્ગદર્શન આપેલ હતું. આ કેમ્પમાં માંડવી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુલ 202 દર્દીઓએ લાભ લીધો હતો. કુલ 41 વ્યક્તિઓના આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બનાવી આપવામાં આવ્યા હતા.
ઓપરેશન લાયક અને આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓના ઓપરેશનો આયુષ હોસ્પિટલ-ભુજમાં કરી અપાશે. કેમ્પમાં દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. એક્સરે અને કાર્ડિયોગ્રામ પણ નિઃશુલ્ક કાઢી આપવામાં આવ્યા હતા. લોહીની RBS તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપ-પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી. કે. સોલંકી, માનદસભ્ય કિશોરભાઈ શાહ, સંસ્થાના એડમીન વિજયભાઈ કેનિયા વગેરેના હસ્તે કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટરો અને મંચસ્થ એડવોકેટ લલીતભાઈ છેડા (મુંબઈ)નું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું. જ્યારે ખજાનચી નિશાંતભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.
આ કેમ્પમાં લલિતભાઈ છેડા (મોટી રાયણ-મુંબઈ) કાંતિલાલ ગડા અને ભાઈલાલ ગાલા (મોટી રાયણ) ઉપસ્થિત રહ્યાં હતાં. આ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, શ્રી વી. કે. સોલંકી અને દિનેશભાઈ શાહ માનદ્ સભ્યો, કિશોરભાઈ શાહ અને નીરવભાઈ શાહ, સંસ્થાના એડમીન વિજયભાઈ કેનિયા અને હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા