જૈન સેવા સંસ્થા “નવચેતન”, ભુજના સેવાકાર્યોના ૧૫મા વર્ષમાં પ્રવેશે ત્રિદિવસીય સેવાયજ્ઞ યોજાયો.
છેલ્લા ૧૪ વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં દીન દુઃખિયા માનવો અને અબોલ જીવોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત, જૈન સેવા સંસ્થા “નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર’ ને સેવાના ૧૪ વર્ષ પુણ થતાં, ત્રિદિવસીય સેવાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં માનવસેવા અને જીવદયાના કાર્યો સાથે સંસ્થાના ૧૫મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના જણાવ્યા પ્રમાણે ૧૫ વર્ષ અગાઉ શ્રમજીવી પરિવારોમાં ધાબળા વિતરણ કરવા જવાનું થયું, ત્યારે કડકડતી ઠંડીમાં પ્રસુતાને અર્ધનગ્ન હાલતમાં જોતાં હૃદય દ્રવી ઉઠ્યું અને એ જ સમયે દીન-દુઃખિયા માનવો અને અબોલ જીવોની સુખાકારી માટે કંઇક કરવાના મનોમન સંકલ્પ લીધા અને એના ફલસ્વરૂ વાગડ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદ અને પ્રેરણાથી તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વ.ચેતન મહેતાની સ્મૃતિમાં જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રનું સર્જન થયું.
તા. ૧-૭-૨૦૧૦ ના શરૂ કરાયેલ આ સંસ્થાની ૧૫ કરતાં પણ વધારે જૈનાચાર્યોએ પાવન પગલાં કરી સંસ્થાના કાર્યકરોની પીઠ થાબડી સફળતાના આશીર્વાદ આપ્યા છે. પૂ.શ્રીઓના આશીર્વાદથી આજ દિવસ સુધી સંસ્થાને અનુદાન માટે ટહેલ નાખવાની જરૂર પડી નથી.
પ્રથમ ચરણમાં આ સંસ્થાના નેજાહેઠળ અતિ આર્થિક પછાત વિસ્તારોમાં શિક્ષણ અને વ્યસન મુક્તિનું અભિયાન હાથ ધરાયું. તેમનાં બાળકોને શૈક્ષણિક ઉપકરણો, યુનિફોર્મ, રમત-ગમતનાં સાધનો આપી શિક્ષણ લેતાં કર્યાં. તેમની સાથે સામાજીક અને રાષ્ટ્રીય ત્યોહારોની ઉજવણી કરી. જેના ફળસ્વરૂપ ૫૦૦ કરતાં પણ વધારે પરિવારોએ સ્વેચ્છાએ આજીવન દારૂ-ગુટકા, માંસાહારનો ત્યાગ કર્યો. ભુજમાં નવચેતન અક્ષર જ્ઞાન પાઠશાળા ચાલુ કરી વિચરતી જ્ઞાતિના બાળકોને સરકારી શાળામાં દાખલ કરાવ્યા.
અબોલ જીવોની સુખાકારી માટે દરવર્ષે વિવિધ પાંજરાપોળોમાં ૫૦ હજાર ગૌવંશને લીલાચારાના નીરણ દ્વારા અત્યારલગી પાંચ લાખ ચોપગાંની આંતરડી ઠારવામાં આવી છે. ગૌવંશની સાર સંભાળ સારી રીતે લેવાય તે માટે છેલ્લા ૪ વર્ષમાં કચ્છની વિવિધ પાંજરાપોળોના નાના કર્મચારીઓને રૂા. ૧૦ લાખના ખર્ચે અડદીયાનું વિતરણ કરાયું. દરરોજ શ્વાનોને દુધ – રોટલી – પક્ષીને ચણ દ્વારા લાખો નાના અબોલ જીવોની ક્ષુધા સંતોષવાનો પ્રયત્ન કરાયો.
દર અઠવાડિયે શ્રમજીવી પરિવારોમાં પૌષ્ટિક આહાર અને ફ્રુટનું વિતરણ દ્વારા ૨ લાખ લોકોની સેવા કરાઈ. દર રવિવારે હોસ્પિટલમાં વિવિધ પ્રકરાનાં ફુટ વિતરણમાં ૧.૫૦ લાખ દર્દીઓને બેડ ટુ બેડ જઇ ખબર-અંતર પુછી ભક્તિ કરાઈ. બાળ દર્દીઓને નવાં વસ્ત્રો સાથે વિવિધ સોગાદ અપાઇ.
દરવર્ષે દિપોત્સવના ત્યોહાર દરમ્યાન ૧૨૦૦ જેટલા પરિવારો અને વ્યસ્કો – દિવ્યાંગોને શુદ્ધ ઘી ની મીઠાઈ અને નમકીનનું વિતરણ કરાયું, તે બનાવવા માટે વર્કશોપ ચાલુ કર્યા, હજારો લોકોને અને ભુલકાઓને નવાં વસ્ત્રોની સોગાદ આપી દિપોત્સવ મનાવ્યો.
૧૫૦૦૦ જેટલા ધાબળા ૧૦૦૦ જોડ ચંપલ, ચોમાસામાં તાલપત્રી સાથે હજારો ફૂડ પેકેટોનું વિતરણ કરાયું. શિક્ષણનો વ્યાપ વધારવા સરસ્વતી સન્માન કાર્યક્રમો યોજાયા.
કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ પરિવારો અને શ્રમજીવીઓને રાહત થાય તે માટે માંડવીમાં ૧૨ વર્ષથી અને ભુજમાં ૪ વર્ષથી ઉનાળાનું અમૃત નિઃશુલ્ક “છાશ” કેન્દ્રો શરૂ કરાયાં. દરવર્ષે ૯૦ થી ૧૦૦ દિવસ સુધી છાશનું નિઃશુલ્ક વિતરણ કરાયું અને ૧૨ વર્ષમાં ૪,૯૦,૦૦૦/- ચાર લાખ નેવું હજાર લીટર છાશનું વિતરણ કરી ૨૫ લાખ લોકોની આંતરડી ઠારવામાં આવી. ૨૦૦૦ જેટલા દિવ્યાંગો વડીલો – સમક્ષ જઇ તેમનામાં ઉત્સાહ અને ઊર્જાનો સંચાર કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. યાત્રા પ્રવાસ, મહેરામણની સહેલગાહ, હિલગાર્ડન, વંદે માતરમ્ આદિ સ્થળોએ લઇ જઈ મોજ મજા કરાવી. સતત તેમની સાથે રહ્યા તેવું પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ અને હિરેન દોશીએ જણાવ્યું હતું.
૧૫મા સ્થાપના દિનની ત્રિ-દિવસીય ઉજવણી તા. ૧-૭ થી ૩-૭ દરમ્યાન, ૧૧૦૦ જેટલા ગૌવંશને લીલાચારાનું નીરણ, શ્વાનોને દુધ – રોટલી – લાડુ, પક્ષીને ચણ, તેમજ વિકલાંગ કન્યા છાત્રાલય માંડવી, બહેરા-મુંગા શાળા – માંડવી તથા જનરલ હોસ્પિટલ, વાત્સલ્ય ધામ, અંધજન શાળા, ચિલ્ડ્રન હોમ, રામદેવ સેવાશ્રમ-ભુજ, શ્રીહરિ શાંતિનિકેતન માધાપર, માતુશ્રી પાર્વતીબેન જી. ગડા સંકુલ • રાપર વિગેરેમાં દિવ્યાંગો – વયસ્કોને ભાવતાં ભોજન અપાયાં હતાં.
સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના નેતૃત્વમાં, પ્રદિપ દોશી, ઓજશ શેઠ, શાંતિલાલ મોતા, કે. બી. પરમાર, વિજય મહેતા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. જયેશભાઈ ચંદુરા, સી. સી. જોશી, ચિંતન મહેતા, રાજેશ સંઘવી, સુરેશ સોમૈયા, કૌશિક મહેતા, અશોક વોરા, અરવિંદ દાત્રાણીયા, વિનોદ દોશી, ડૉક્ટર રૂપાલી મોરબીયા વગેરે સતત સહયોગી રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા