માંડવી, તા.૧૬/૦૭
માંડવીમાં ત્રિ દિવસીય દિક્ષા મહોત્સવ તા.૧૫-૭ ને સોમવારના રોજ જૈનપુરીમાં રંગેચંગે સંપન્ત થયો હતો.
જૈનાચાર્ય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા તેમજ માંડવીમાં બિરાજતા શ્રમણ–શ્રમણીઓની નિશ્રામાં તા.૧૫-૭ ને સોમવારના જૈનપુરી મધ્યે સવારના ૯ વાગે શરૂ થયેલ દિક્ષા મહોત્સવ પાંચ કલાક બાદ બપોરે ૨ વાગે ભકિતભાવ પૂર્વક રંગચંગે સંપન્ત થયો હતો.
પુના (મહારાષ્ટ્ર) ના ભાવિકભાઈ ભરતભાઈ શાહ અને શ્રીમતી કરિશ્માબેન ભાવિકભાઈ શાહના ૧૩ વર્ષના કુળ દિપક મુમુક્ષુ આગમકુમારે સોમવારે માંડવીમાં સંસારનો ત્યાગ કરી, સંયમ માર્ગે પ્રયાણ કરી, જૈનાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા પાસે દિક્ષા ગ્રહણ કરી હોવાનું શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ તથા પૂર્વ ટ્રસ્ટી અને મિડીયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
દિક્ષા બાદ મુમુક્ષુ આગમકુમાર શાહ અર્હમયશવિજયજી મહારાજ સાહેબ બન્યા હતા. દિક્ષાના વિવિધ ચડાવા અને જીવદયાના ફંડ માટે દાતાઓ મન મૂકીને વરસ્યા હતા.
આ પ્રસંગે દિક્ષાર્થી આગમકુમાર માતા-પિતા, સગા સંબધીઓ, પુના (મહારાષ્ટ્ર) જૈન સંઘના હોદેદારો ઉપરાંત માંડવીના પાંચેગચ્છના ભાવિકો, રાજકોટ, વેરાવળ, વાંકાનેર, અમદાવાદ અને અન્ય સ્થળોએથી સેંકડો શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
૨૭ વર્ષ બાદ માંડવી તપગચ્છ જૈન સંઘમાં દિક્ષાનો પ્રસંગ આવતા, માત્ર માંડવી તપગચ્છ સંઘ જ નહીં પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના ભાઈઓ અને બહેનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
દિક્ષાનો પ્રસંગ સુપેરે સુંદર રીતે પાર પાડવા બદલ દિક્ષાર્થીના પરિવારે માંડવી તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી મંડળનું સન્માન કર્યું હતું. દિક્ષા પ્રસંગે અમદાવાદના પ્રતિકભાઈ શાહે સંવેદના રજૂ કરી હતી. જયારે પુનાના પાર્થભાઈ વખારીયાએ સંગીતની રમઝટ બોલાવી હતી. દિક્ષાના ત્રિ દિવસીય મહોત્સવને સફળ બનાવવા તપગચ્છના ટ્રસ્ટી મંડળ, યુવા કાર્યકરો વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા