મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારાઘોઘા પાસે ૬૦૦ એકરમાં આકાર પામેલા એન્કરવાલા નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

નંદીસરોવરમાં નવા નીરના વધામણાં કર્યા

ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા પર્યાવરણ તથા પશુઓના જતન માટે નિર્માણ પામેલા પ્રકલ્પોને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા

પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામતા નંદનવનમાં પશુઓના અભયારણ્ય, ગોવર્ધન પર્વત, તપોવન ધામ, કૈલાશ ઉપવન, ગોકુળધામ તથા વાત્સલ્યધામને નિહાળીને સરહદી કચ્છમાં દાતાઓની સખાવતથી થતી ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન મહાવીર પશુ રક્ષાકેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ મુન્દ્રા દ્વારા ૬૦૦ એકરમાં નિર્માણ થયેલા એન્કરવાલા નંદીસરોવર, ૨૨૫ એકરમાં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામનારા નંદનવન, વન અભ્યારણ સહિતના પ્રકલ્પોની નિરીક્ષણ મુલાકાત લઇને પર્યાવરણ તથા જીવદયા ક્ષેત્રે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં સચરાચર વરસાદના પગલે ૬૦૦ એકરમાં ૩ સરોવર પૈકીના નંદીસરોવરમાં આવેલા નવાનીરને શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ પધરાવીને વધાવ્યા હતા. તેમજ સરોવરની પાસે વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ ૨૨૫ એકરમાં આકાર પામી રહેલા નયનરમ્ય નંદનવનની મુલાકાત લીધી હતી.

દર વર્ષે ૫૦ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવે છે અને હાલ અંદાજે અઢી લાખથી વધુ વૃક્ષો મોટા થઇ ગયા છે.

મુખ્યમંત્રીશ્રી આ સાથે જ પશુઓ માટે ૨૦૦ એકરમાં ઉગાડવામાં આવતા પૌષ્ટિક ઘાસ, નર્સરી જેમાં આયુર્વેદિક તથા દેશીરોપાઓનો ઉછેર કરવામાં આવે છે. નંદિસરોવર બીજ બેંક જેમાં ૧૭૦ પ્રકારના બીજ ઉપલબ્ધ છે, ૨૧ લાખ લીટરનો પાણીનો ટાંકો જેનો ઉપયોગ ૩૫૦ એકર જમીનમાં પાણીની જરૂરીયાત પૂરી કરવા માટે થાય છે. ઉપરાંત નંદનવનમાં સામાન્ય તથા અપંગ અને અંધપશુઓ તથા બીમાર પશુઓની ગૌશાળા, ૩૦૦૦થી વધુ આશરો લેતા પશુઓની સુવિધાસ્થળ, ગોવર્ધન પર્વત, તપોવનધામ, કૈલાશ ઉપવન, ગોકુળધામ, વાત્સલ્યધામ, વૃંદાવનધામ (પશુઓ માટે મુક્ત વિચરણ અભયારણ્ય વગેરેની મુલાકાત લઇને સંસ્થાના આગેવાનો પાસેથી તમામ ઉપક્રમો વિશે ઝીણવટભરી વિગતો મેળવીને વર્તમાન તથા ભવિષ્યના વિઝનથી માહિતગાર થયા હતા.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને આગામી સમયમાં નંદનવનમાં જીવદયા, પર્યાવરણ સહિતના વિષય પર ખેડૂતો, છાત્રોને શિક્ષણ, તાલીમ, સંશોધન તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર યોજી શકાય તે કક્ષાનું સુવિધાસભર તથા વિશાળ ક્લબ હાઉસના નિમાર્ણ અંગેની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીશ્રી નંદનવનની મુલાકાત સમયે પર્યાવરણ તથા પશુઓના જતન માટે સંસ્થાએ ઉપાડેલી કામગીરીથી પ્રભાવિત થયા હતા. સરકાર આ સેવા કાર્યમાં સહકાર માટે તત્પર રહેશે તેવી હૈયાધારણા તેમણે આપી હતી.

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ મહેન્દ્રભાઈ સંગોઈ, ડાયાલાલભાઈ ઉકાણી, રાજેશભાઈ સોરઠીયા, શિવજીભાઈ છભાડીયા, અગ્રણીશ્રીઓ જીગરભાઈ છેડા, દિલીપભાઈ દેશમુખ, છાયાબેન ગઢવી, શાંતાબેન એન્કરવાલા, મંજુલાબેન સંઘોઇ, જયાબેન ગંગર, મહેન્દ્રસિંહ જામ સહિતના અગ્રણીશ્રીઓએ કુમકુમ તિલક અને ફુલહારથી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સાથે ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન જોશી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, અગ્રણી શ્રી ધવલ આચાર્ય, સંજયભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *