વલસાડ પાઠશાળા કમિટીના સભ્યો તથા સર્વ ટીચર્સની મેહનત, કારોબારી કમિટીનો સાથ સહકાર તેમજ લાભાર્થી પરિવારોનું યોગદાન આ ત્રિવેણી સંગમને કારણે સમર કેમ્પ 2 સફળ અને ખુબજ યાદગાર રહ્યો હતો.
યાદગાર પળોને યાદ કરીએ તો પ્રથમ દિવસે પાંઉ-બ્રેડ-યીસ્ટ વિગેરે બનાવવામાં થતી જીવ હિંસા, આજીનોમોટોથી શરીરને થતું નુકશાન તથા આપણી અજાણતામાં ફ્લાવરની ઈયળો કેવી રીતે મોતને વરે છે તે સરળ ભાષામાં સમજાવતાં પાઠશાળાના વિદ્યાર્થીઓએ 6 મહિના થી કરી 5 વર્ષ તેમજ આજીવન પાંઉ-બ્રેડ તેમજ યીસ્ટ થી બનતી વસ્તુઓ ન ખાવાનો નિયમ લીધો હતો.
આ દિવસનું સંચાલન માનદ શિક્ષિકાશ્રીઓ માલતીબેન લોદરીયા તથા ઉષાબેન ત્રેવાડીઆ એ કર્યું હતું.
મા ના ગર્ભમાં બાળક આવે ત્યારથી થતી તકલીફ, જન્મ સમયની વેદના, બાળક માટે માતા પિતાએ કરેલા ત્યાગ તથા આંગળી પકડીને આપેલી બહારની દુનિયાની સમજણ વિશે વલસાડ પાઠશાળા કમિટીના સભ્યશ્રી પંડિતવર્ય મિલનભાઈ સંઘવીએ સવિસ્તાર સમજાવતા બધાની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. તે સમયે હાજર રહેલ કારોબારી કમિટીના સભ્યો પણ પોતાના આંસુને રોકી શક્યા ન હતા. આ સમયે દરેક બાળકો અને બહેનોએ *એક ચીઠી પ્યાર ભરી* પ્રોગ્રામ હેઠળ પોતાના માતા પિતા તેમજ સાસુ સસરા ને લેટર લખ્યા હતા. તેમાં કેટલાકે પોતે કરેલી ભૂલની માફી માંગી હતી તો કેટલાકે તેઓને સુખી કરવાનું પ્રોમિસ આપ્યું હતું.
મોબાઈલ, મેગી, ડુક્કર વિગેરેના માંસમાંથી બનાવેલ મેકઅપ સામાન તથા ફ્રીઝમાં વસ્તુ રાખવાના કારણે સાધુ સાધ્વી ભગવંત ના સુપાત્ર દાનના લાભથી કેવી રીતે વંચિત રહી જવાય છે તે દરેક વિષય વિશે નાના બાળકોએ પોતાની કાલી ઘેલી ભાષામાં સમજાવ્યું હતું. મોટા બાળકોએ પણ યોગ અને ધ્યાનનું મહત્વ, ગુરુનું મહત્વ, તીર્થનું મહત્વ, વડીલ નું મહત્વ વિગેરે વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ એક પાત્રીય અભિનય તથા વકતૃત્વ માટે આનંદભાઈ પંડિતજી તેમજ માનદ શિક્ષિકાશ્રીઓ અલ્પાબેન મહેતા, કરુણાબેન દોશી તથા જોલીબેન કોઠારીએ બાળકોને તૈયાર કર્યા હતા.
દિવ્યાંગ – પરવસ – અશક્ત વૃદ્ધ લોકો ને કાર તેમજ વ્હીલચેર દ્વારા તેમના ઘરેથી દેરાસર લઈ આવવાનું, તેમના ચરણ પ્રક્ષાલન દ્વારા સન્માન કરી પ્રભુના દર્શન/પૂજા કરાવવાનું કામ સંઘના યુવાનોએ કર્યું હતું.
મિલનભાઈ સંઘવી ના સહયોગથી સંપૂર્ણ શુદ્ધિ સાથે સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો હતો. સ્વયં છપ્પન દિક્ કુમારી ભગવાન નો જન્મોત્સવ ઉજવવા આવ્યા હોય એવો જોરદાર માહોલ બન્યો હતો. દેરાસરમાં ભક્તિ કરતાં સૌના મન હિલોળે ચડ્યા ત્યારે લાગ્યું કે ખુદ ભગવાન જાણે હસતા હસતા સૌની ભક્તિની ભાવનાને સ્વીકારતા હોય.
સૂત્રોની સમજણ તેમજ પ્રશ્નોત્તરી દ્વારા સૂત્ર મંજરી ક્વિઝ નું આયોજન માનદ શિક્ષિકાશ્રીઓ માલતીબેન લોદરીયા તથા ઉષાબેન ત્રેવાડીઆ એ કર્યું હતું.
હોટલથી થતું પાપ કે ભોજનશાળા થી થતા લાભ, નૂતન જિનાલય કે જીર્ણોધ્ધાર, સુત્રોની ગોખણપટ્ટી કે અર્થ સાથેનું સૂત્રોનું જ્ઞાન વિગેરે વિષયોની ડીબેટ માં બાળકોએ અનેક તર્ક વિતર્ક રજૂ કર્યા હતા. તેનું નેતૃત્વ કરનાર વલસાડ પાઠશાળા કમિટી ના સભ્ય શ્રી દીગ્નેશભાઈ ભણસાલી એ આ બાળકોની કેટલીક ગેરસમજ દૂર કરી હતી.
અમે જેની આતુરતાથી રાહ જોતા હતા તે સમર કેમ્પનો સાતમો અને છેલ્લો દિવસ એટલે પ્રભુ ભક્તિનો દિવસ. બધા શ્રી અજીતનાથ દાદા ની ભક્તિ કરતાં કરતાં ભાવવિભોર બન્યા હતા. તેમાં આરતી માટે મહિનામાં 58 ગાથા નો ચઢાવો બોલી હર્ષિલ કેતનભાઇ ગાંધી તથા મંગળ દીવા માટે 360 દિવસમાંથી 356 દિવસ ચોવિહાર થી ચઢાવો બોલી હિતાંશ મયુરભાઈ સંઘવીએ લાભ લીધો હતો. રાત્રીના અંધકારમાં દરેકના હાથમાં દીવા હતા ત્યારે જિનાલયમાં તારલા ટમટમતા હોય એવું લાગી રહ્યું હતું. આ સંધ્યા ભક્તિનું આયોજન માનદ શિક્ષિકાશ્રીઓ અલ્પાબેન, કરુણાબેન તથા જોલીબેને કર્યું હતું.
સફળ સમર કેમ્પ – 2 ના સાર રૂપ એવા એવોર્ડ ફંક્શનના દિવસે મુખ્ય પાઠશાળા ના મંત્રીશ્રી રમેશભાઈ કોઠારી, કારોબારી સભ્યશ્રી મનસુખભાઈ જાખેલીયા તથા પ્રવીણભાઈ પારેખ એ પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ ટીચર્સનું બહુમાન તથા સમર કેમ્પ ની રૂપરેખા જણાવ્યા બાદ બેસ્ટ પર્ફોર્મન્સ આપનાર બાળકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
મુંબઈથી પધારેલ એન્કર શ્રી ઈશાનભાઇ દોશી એ પાઠશાળા વિશે જણાવતા કહ્યું હતું કે વેન્ટિલેટર પર ચાલતી પાઠશાળાઓને સક્ષમ બનાવી તેને જાગ્રત કરવાની આપણી સૌની ફરજ છે. એમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે ભૂતકાળમાં અમુક રાજાઓએ આપણા જિનાલયોને ક્ષતિ પહોંચાડી હતી, ભવિષ્યમાં પણ આવું શક્ય થઈ શકે છે. પરંતુ આપણા જ્ઞાનને એટલે કે ગણધર ભગવંતો – મુની ભગવંતો દ્વારા રચિત સૂત્રોને – આગમોને કોઈ ક્ષતિ પહોંચાડી શકે નહીં. આ જ્ઞાન આપણને પાઠશાળા જ આપે છે.
ચાલો આપણે સૌ પાઠશાળા ને તન મન ધન થી સપોર્ટ કરી શ્રુતજ્ઞાનની ભક્તિ કરીએ.
બાળકોએ લખેલ લેટર એવોર્ડ ફંક્શનના અંતમાં તેમના માતા પિતાને અર્પણ કરવામાં આવ્યો હતો.
છેલ્લે તેમના માતા પિતાનાં અક્ષત થી વધામણા કરી છૂટા પડ્યા હતા.
સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન પાઠશાળાના બાળકોએ કર્યું હતું એવું મુદરા તપગરછ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતા એ જણાવ્યું હતુ
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડિયા