માંડવી તા: 24 માર્ચ 2024
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સલાયા શાળા નંબર ૧ ગ્રુપ શાળામાં તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભડાલા સમાજના પ્રમુખ હાજી ઇશા સુધી થૈમના પ્રમુખ પદે શાળામાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ભોલુ શેઠ, ત્રણટુકર વિવિધલક્ષી હાઇસ્કુલ માંડવીના આચાર્યા કૌશિકભાઈ ગોકુલગાંધી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, ત્રણટુકર કન્યા વિદ્યાલય માંડવીના આચાર્ય તૃપ્તિબેન અને સી.આર.સી. કો- ઓર્ડીનેટર યોગેશભાઈ મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં શાળાની બાળાઓની પ્રાર્થના બાદ મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. મંચસ્થ મહેમાનોના હસ્તે રેબન કાપીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળામાં યોજાયેલા વિજ્ઞાન મેળાનું ઉદઘાટન કરાયું હતું.
પ્રારંભમાં શાળાના આચાર્ય અને જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી કાસમભાઈ નોડેએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી આ શાળામાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે શાળાના વિજ્ઞાન શિક્ષક ડો. ચિરાગભાઈ રાવલે જણાવ્યું હતું કે શાળાના આચાર્ય કાસમભાઈ નોડેના માર્ગદર્શન હેઠળ આ શાળા સતત છઠ્ઠા વર્ષે વિજ્ઞાન મેળામાં રાજ્યકક્ષાએ ભાગ લઈને માંડવી તાલુકાનું ગૌરવ વધારેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવામાં શાળાના આચાર્ય કાસમભાઈ નોડેના માર્ગદર્શન હેઠળ મારી સાથે ચંદ્રેશભાઈ માલમવાલાએ પણ જહેમત ઉઠાવી છે.
અતિથિ વિશેષ શ્રી કૌશિકભાઈ ગોકુલગાંધી, દિનેશભાઈ શાહ, તૃપ્તિબેન અને યોગેશ મહેતાએ શાળાની પ્રગતિને બિરદાવી શાળાના આચાર્ય કાસમભાઈ નોડેને અભિનંદન પાઠવ્યાં હતાં. વિજ્ઞાન શિક્ષક ડો. ચિરાગ રાવલે પોતે વિજ્ઞાનમેળામાં રાજ્ય કક્ષાએ 14 વખત ભાગ લીધો છે તે માંડવી માટે ઐતિહાસિક ઘટના છે.
આ પ્રસંગે વાઘેર સમાજના પ્રમુખ યાકુબભાઈ વાઘેર, ભડાલા સમાજના અગ્રણી થૈમ હાજી આદમ, ભોલુ શેઠ, કાઉન્સિલર ઉંમરભાઈ ભટ્ટી, તેમજ હાજી દાઉદ થૈમ અને ઓસમાણ જુણેજા એ પણ શાળાના આચાર્યશ્રી કાસમભાઈ નોડે, વિજ્ઞાન શિક્ષક ચિરાગભાઈ રાવલને અભિનંદન પાઠવ્યાં હતાં. મંચસ્થ મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. મંચસ્થ મહેમાનો એ બાળ વૈજ્ઞાનિકોને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કર્યા હતા. ગામના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી રીનાબેન મહેતાએ કરેલ હતું. જ્યારે વિજ્ઞાન શિક્ષક ડો. ચિરાગભાઈ રાવલે આભાર વિધિ કરી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા