માંડવી તા: 24 માર્ચ 2024
જિનશાસન શિરોમણી – તપચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ ગુણોદય સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય કૃપા અને પરમ પૂજ્ય ગણીવર્યશ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પ્રિયંકરસાગરજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી, શ્રી સિધ્ધાચલ મહાતીર્થ છ ગાઉયાત્રા (ફાગણ સુદ-૧૩) કરનાર ભાવિકોની અનુમોદના કરવા, માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા જીવદયા, સાધર્મિક ભક્તિ, અનુકંપા ભક્તિ અને માનવ સેવાના કાર્યો કરાયા હતા.
સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહના જણાવ્યાં મુજબ 72 જિનાલય ગૌશાળામાં ગાયમાતા માટે 500 કિલોગ્રામ લીલાચારાનું નીરણ કરવામાં આવેલ હતું. માંડવીના બાબાવાડી સુમતિનાથ જિનાલય, દાદાની ડેરી પાર્શ્વનાથ જિનાલય, જૈન આશ્રમ શાંતિનાથ જિનાલય તથા 72 જિનાલયે આદિનાથ તીર્થે 125 કિલોગ્રામ પક્ષી માટે ચણ તેમજ 10 કિલોગ્રામ શ્વાન માટે બિસ્કીટ (દરેક જગ્યા)એ કુલ 500 કિલોગ્રામ પક્ષી માટે ચણ તથા ૪૦ કિલોગ્રામ શ્વાન માટે બિસ્કીટ આપીને જીવદયાના કાર્યો કરાયા હતા. જીવદયાના આ કાર્યો માટે માંડવીના અચલગચ્છ જૈન સંઘના એક સદગૃહસ્થ પરિવાર, માતુશ્રી ગુલાબબેન મનસુખલાલ શાહ માંડવી, માતુશ્રી ગુણવંતીબેન ભોગીલાલભાઈ સંઘવી (હસ્તે લક્ષ્મણભાઈ માંડવી હાલે વડોદરા, તથા માતુશ્રી ભાગ્યવંતીબેન પ્રભુલાલભાઈ શાહ (હસ્તે:- જીતેશભાઈ માંડવી હાલે વડોદરા) નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.
સાધર્મિક ભક્તિમાં માંડવી ના જૈન આશ્રમના માનસિક દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને દાતા પરિવાર શ્રી રોહિતભાઈ ચુડાસમા કાંદીવલી મુંબઈ (હસ્તે:- શ્રીમતી રેખાબેન નટવરલાલભાઈ સંઘવી પરિવાર માંડવી હાલે મુંબઈ)ના સૌજન્યથી મિષ્ટાન ભોજન કરાવાયું હતું.
સાધર્મિક ભક્તિ અને અનુકંપા ભક્તિમાં દાતા હેમંતભાઈ કાંતિલાલ વસા (માંડવી હાલે મુંબઈ) તથા માતુશ્રી દમયંતીબેન દોલતભાઈ શાહ પરિવાર હસ્તે નિશાંતભાઈ શાહ (માંડવી) ના સૌજન્યથી માંડવીના સમગ્ર જૈન સમાજના જરૂરતમંદ સાધર્મિક પરિવારોને તથા દેરાસરજી, ઉપાશ્રયો, આયંબિલ શાળા વગેરેના 40 કર્મચારીઓ સહિત 60 વ્યક્તિઓને 300 ગ્રામ દેશી ઘી નો મોહનથાળ આપવામાં આવ્યો હતો.
માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ તરફથી જીવદયા, માનવસેવા, સાધર્મિક ભક્તિ અને અનુકંપા ભક્તિના કાર્યો કરવા બદલ માંડવી બે નાતના પ્રમુખ અને માંડવી ના પૂર્વ નગરપતિ મેહુલભાઈ શાહ, માંડવી ત્રણગચ્છ જૈન સંઘ અને માંડવી અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, માંડવીના સમાજ રત્ન અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવી નગરપાલિકાના સત્તાપક્ષના નેતા લાંતિભાઈ શાહ અને કાઉન્સિલર પારસભાઈ સંઘવી, માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને ખજાનચી જયેશભાઈ જી. શાહે સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને તેમની સેવાભાવી ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ સેવા કાર્યમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ તેમજ સંસ્થાના સેવાભાવી કાર્યકરો, રાજીવભાઈ બી. શાહ, અજિતભાઈ પટવા, એડવોકેટ ઉદયભાઈ આર. શાહ, લહેરીભાઈ શાહ અને કિર્તીભાઈ વસા જોડાયા હતા.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા