રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન સાથે સમાજોપયોગી સત્કાર્યો કરાયા
મુન્દ્રા, તા.18: કચ્છના સંસદીય વિસ્તાર મોરબી તાલુકાના ભરતનગર ગામે 95 વર્ષીય પરમાર્થી કસ્તુરબેન ભગવાનજીભાઈ મોરસાણીયાને રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, ઉપેક્ષિત વિસ્તારના 780 બાળકોને બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન સાથે પરિવાર પ્રબોધન જેવા સમાજોપયોગી સત્કાર્યો કરી કસ્તુરમાના સાક્ષર સંતાનોએ પ્રેરણાદાઈ ભાવાંજલિ આપીને અનોખી કેડી કંડારી છે.
પ્રારંભે મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના પુરાણી દિવ્ય પ્રકાશ સ્વામીએ કહ્યું કે સ્મશાનમાં અને ગામમાં થતી વાતો ઉપરથી જનાર વ્યક્તિનું મૂલ્યાંકન થાય છે. પ્રવાસી કે પરીક્ષાર્થીની જેમ વ્યક્તિએ પણ અક્ષરલોકમાં જવાની તૈયારીઓ કરતા કરતા જીવન જીવવું જોઈએ એમ કહી બા પોતે નિરીક્ષર રહીને પોતાના પુત્ર – પૌત્રોને અધ્યાપક, ડોક્ટર, એન્જિનિયર, સી.એ. જેવું ઉચ્ચ શિક્ષણ અપાવનાર કસ્તુરમાને શ્રધ્ધા સુમન અર્પણ કરી સૌએ બા માંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
ખોખરા હનુમંત ધામના કથાકાર પૂજ્ય કનકેશ્વરી મા એ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે જે ચેતના જન્મે છે, જીવે છે અને જાય છે એને આપણે સહયોગી બનવું જોઈએ ભરતનગર ગામને સંસ્કાર નગરીની ઉપમા આપી વિદાય લેનાર બા ના સદગુણો વર્તમાનમાં ધારણ કરવા એ જ સાચી શ્રદ્ધાંજલિ છે એમ કહ્યું હતું.
બગથળા નકલંક ધામના મહંત દામજી ભગતે શબ્દાંજલી આપતા કહ્યું કે સેવા અને સાદગીને વરેલા કસ્તુરમા અનેકોને જીવન જીવવાનું શીખવાડી ગયા છે, માના આંગણે માની વાતો કરવા આવા સંતોનું અહીં આવવું એ જ આ આત્માની પરમ તરફની ગતિ સૂચવી જાય છે એમ કહી શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી.
સંગીતમય સુરાવલીઓ સાથે સદગુરુ પરિવાર પાટડીના મનસુખભાઈ રાધેએ સુંદરકાંડનો સામૂહિક પાઠ કરી સ્વરાંજલિ આપી હતી. સંતાનોને સંપત્તિને બદલે સદગુણોનો સંસ્કાર વારસો આપીને અનંત યાત્રાએ ચાલી નીકળેલા કસ્તુરમાને સુર સાધનાથી લોક શિક્ષણની હળવી શૈલીમાં વાતો કરતા કોયલીવાળા પ્રસિદ્ધ ભજનીક છગન ભગતે મોડી રાત સુધી કલા રસિકોને સુર અને શબ્દોથી તરબોળ કરી દીધા હતા અને ભૂલો ભલે બીજું બધુ પણ મા બાપને ભૂલશો નહીં એવી શીખ પણ આપી હતી.
હરીહર ધામ વેદ વિદ્યાલયના ઋષિ કુમારોએ શ્રીમદ્ ભગવત ગીતાના સામૂહિક પાઠ કરીને બા ની વંદના કરી હતી. તો ગામના ગોર ગુણુભાઈએ શાસ્ત્રોક્ત વિધિથી બાનું તર્પણ કરાવી રક્તદાન થી મહાદાન, પિંડદાન કરાવનાર આ મોરસાણીયા પરિવારને સુભાષિશ આપ્યા હતા.
આ પરિવારની નવી પેઢી એ ભરતનગર ગામ અને આસપાસના પાંચ ગામની શાળાઓ અને વાડી વિસ્તારના ઉપેક્ષિત બાળકોને બટુક ભોજન કરાવી રાજીપો મેળવ્યો હતો. તો ઘરની દીકરીઓએ અબોલ જીવોને અલ્પાહાર કરાવીને બા ની સ્મૃતિમાં જીવદયાના સત્કાર્યો કર્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્ર સંઘ સંચાલકજી ડો.જયંતીભાઈ ભાડેસીયાએ દેશ માટે કાર્યરત કર્મયોગીઓની અનેક દ્રષ્ટાંત કથાઓ કહીને જનનીથી જન્મભૂમિ માટે સમય દાન આપવાની વાત કરી આવા સ્તુતીય કાર્યક્રમો કરવા બદલ મોરસાણીયા પરિવારને શબ્દોથી પોંખી ને બા ને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી.
ગાય આધારિત ખેતી અંગેનો સંવાદ કરતા સૌરાષ્ટ્ર પ્રાંતના ગૌ ગતિવિધિ પ્રકલ્પનાના સંયોજક મેઘજીભાઈ હિરાણીએ ગ્રામજનોને ગૌ મહિમાની વ્યવહારુ વાતો કરી પેકિંગમાં આવતા દૂધ, ઘી, છાસ, માખણનો ત્યાગ કરી દેશી ગાયના તાજા પંચગવ્યોનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
અંતિમ દિવસે મોરબી સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી કસ્તુરમાની સ્મૃતિમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં આવેલા અતિથિઓ અને ગ્રામજનોએ ૬૭ બોટલ રક્તદાન કરી કસ્તુરબાને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.
ગામમા વિવિધ ક્ષેત્રની કાર્યરત પ્રતિભાઓનું અને અતિથિઓનું ગાય વાછરડાની પ્રતિમા, ગોબરથી બનેલી આદિનાથની મૂર્તિ, સ્વામિનારાયણ મંત્ર ગૌમુખી સાથે તુલસીની માળા અને પ્રેરક પુસ્તકો આપીને અતિથિઓને પરિવારના પુત્ર અને પુત્રવધુઓએ અનોખી આતિથ્ય ભાવના વ્યક્ત કરી હતી. તો પરિવારની દીકરીઓને સંસ્કાર કીટ સાથે પૂજા સામગ્રીનો થાળ આપીને સમાજને સનાતન મુલ્યોનું સંવર્ધન કરવાનો નવો રાહ બતાવ્યો હતો.
શ્રદ્ધાંજલિ આપવાના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટિયા, સહકારી આગેવાન નવીનભાઈ ફેફસ, સેવાભાવી કાર્યકર્તા વલ્લભભાઈ, માવજીભાઈ સહિત નિત્ય ગ્રામજનો અને સ્વજનો ઉપસ્થિત રહેતા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરશીભાઈ, ધનજીભાઈ, કાંતિભાઈ, રામજીભાઈ સહિત મોરસાણિયા, ફેફર, સુરાણીને મોસાળના જીવાણી પરિવારજનોએ તન, મન અને ધનથી સહયોગી બનીને અનંતયાત્રી કસ્તુરબાની વિદાયને એક યાદગાર પ્રેરણાદાઈ સંભારણું બનાવ્યું હતુ.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડો. કેશુભાઈ મોરસાણીયા (પીટીસી કોલેજ, મુન્દ્રા), અશોકભાઈ અને ડો. જયદીપભાઈ મોરસાણીયાએ સંભાળ્યું હતું.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા