માંડવી તા. ૧૦/૦૨
અબડાસા તાલુકાના મોટી સિંધોડી નગરે નુતન જિનાલયની ભાગ્યોદયકારી પ્રભુ પ્રતિષ્ઠા પંચાન્હિકા જિનગુણ કલ્યાણોત્સવ સાહિત્ય દીવાકર, રાજસ્થાન દક્ષિણદીપક, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભુસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદીઠાણાની પાવન નિશ્રામાં તા. ૨૬/૦૨ ને સોમવાર થી તા. ૦૧/૦૩ ને શુક્રવાર દરમ્યાન સતત પાંચ દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.
શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિ મહાજન ટ્રસ્ટ મોટી સિંઘોડી (તા.અબડાસા) કચ્છમાં શ્રી નેમિનાથદાદા નુતન જીનાલય પ્રતિષ્ઠા મહોત્સવ વિશે માહિતી આપતા પ્રમુખ અ.સૌ.હર્ષાબેન શાહ, માનદ મંત્રી શ્રી હરીશભાઈ મોમાયા અને શ્રી લહેરચંદભાઈ મૈશેરી તેમજ મહોત્સવના કન્વીનર શ્રી મુકેશભાઈ લોડાયાએ જણાવ્યું હતું કે, વિધિકાર અને સૂત્ર સંચાલક નવકાર રત્ન શ્રી નરેન્દ્રભાઈ નંદુ અને એમના સુપુત્ર સાથે સંગીતના સથવારે સમગ્ર કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.
મૂળનાયક શ્રી નેમિનાથ દાદા ની પ્રતિષ્ઠા નો લાભ માતુશ્રી કસ્તુરબાઈ વેલજી શિવજી મૈશેરી (હસ્તે:- ખુશાલભાઈ મૈશેરી) તથા પ્રતિષ્ઠા મહોત્સવ ના સંપૂર્ણ સાધર્મિક ભક્તિનો લાભ અ.સૌ.અનિતાબેન ભરતભાઈ લોડાયા (હસ્તે:- અ.સૌ. સ્મૃતિબેન પારસભાઈ અને અ. સૌ. જેમીનીબેન હેમાંગભાઈ) પરિવારે મહોત્સવના પાંચેય દિવસની સાધર્મિક ભક્તિનો સુંદર લાભ લીધેલ છે. સૂરજમુખીનો ફૂલ હંમેશા સુરજ તરફ ઢળે તેમ આ પુણ્યશાળી પરિવારે લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી પોતાના માદરે વતન તરફ દાનની ગંગા વહેડાવી હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
નૂતન જિનાલય ની પ્રતિષ્ઠા પંચાન્હિકા મહોત્સવમાં ગામવાસીઓ, નિયાણીઓ, સર્વે મહાજનો જ્ઞાતિના શ્રેષ્ઠીવર્યો તથા દાતા પરિવારો બહોળી સંખ્યામાં મોટી સિંધોડી નગરે પધારી મહોત્સવને ચાર ચાંદ લગાડશે.
પ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ બનાવવા મોટી સિંધોડીના ટ્રસ્ટીઓ, મહાજનશ્રી ની ટીમ તથા ગામવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા