જેતપુર: તાલુકાના ડેડરવા ગામના અનુસૂચિત જાતિ સમાજ લોકો તેમના પડતર પ્રશ્નોને લઈને આજે તાલુકા સેવા સદન જેતપુર ખાતે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમના જણાવ્યા મુજબ તેઓ આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર આવેદનપત્ર આપવા માટે ઉમટી પડ્યા હતા. કેમ કે વારંવાર સ્થાનિક તંત્રને મૌખિક રજૂઆત કરવામાં આવતા છતાં સ્થાનિક તંત્ર દ્વારા પ્રશ્નોનો ઉકેલ ન લાવવામાં આવતા આજે ડેડરવા ગામના અનુસૂચિત જાતિ સમાજ લોકો દ્વારા જેતપુર ગ્રામ્ય મામલતદાર તેમજ જેતપુર તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું.
જેમાં અલગ અલગ મુદ્દાઓની માંગણીઓ કરવામાં આવી હતી. જેમ કે
1. ડેડરવા ગામમાં આવેલ અનુસુચિત જાતિ સમાજના સમશાનમાં જવા આવવા માટે કોઈ પાકો રસ્તો નથી. તેમજ વીજળીની વ્યવસ્થા નથી અને સમશાનમાં ફરતે દીવાલ કે બેસવા માટે બાકડાની વ્યસ્વ્થા નથી. જે વ્યવસ્થાઓ કરવી.
2. અનુસુચિત જાતિ સમાજના ખારા વિસ્તારમાં આવવા જવા માટે કોઈ પાકો રસ્તો વર્ષોથી નથી. જે કરી આપવામાં આવે.
3. અનુસુચિત જાતિ સમાજ માટેની સરકારની ગ્રાન્ટ બીજા વિસ્તારમાં વાપરવામાં ન આવે.
4. ડેડરવા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે.
5. અનુસુચિત જાતિ સમાજના ખારા વિસ્તારને અડીને જ આવેલા સમશાનમાં મૂતદેહો સળગાવવાથી અનુસુચિત જાતિ સમાજના લોકોને ભારે હાલાકી ભોગવાવી પડે છે જેનો ઉકેલ કરવામાં આવે.
6. ડેડરવા ગામમાં ગ્રામસભા થતી નથી અને જો કદાચ થતી હોય તો બંધ બારણે થાય છે, જેની અમો અનુસુચિત જાતિ સમાજના લોકોને કોઈ જ માહિતી હોતી નથી. માટે ડેડરવા ગામમાં ગ્રામસભા થાય તો અમો અનુસુચિત જાતિ સમાજના લોકોને જાણ કરવામાં આવે. જેથી અમો અમારા પ્રશ્નોની રજૂઆત કરી શકીએ.
7. ડેડરવા ગામમાં વસતા અનુસુચિત જાતિ સમાજના લોકોને સરકારના નિયમ મુજબ 100 ચોરસ વારના રહેણાંક માટેના પ્લોટ ફાળવવામાં આવે જે વર્ષોથી ફાળવવામાં આવેલ નથી.
8. ડેડરવા ગામમાં કચરા નિકાલ માટેના વાહનો ગ્રામ પંચાયત ડેડરવા પાસે હોય જેનો ઉપયોગ કચરા નિકાલ માટે કરવામાં આવે.
9. ડેડરવા ગામમાં લોકો માટે પ્રસંગમાં ઉપયોગી થઈ શકે તે માટે ડો. આંબેડકર ભવન બનાવવામાં આવે.
10. ડેડરવા ગામમાં આવેલ જૂની સરકારી પ્રાથમિક શાળાના મકાનમાં મંડપ સર્વિસના લોકો દ્વારા કરવામાં આવેલ પેશકદમી દૂર કરવામાં આવે.
તેમજ ડેડરવા ગામના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે જો આગળની કાર્યવાહી નહી કરવામાં આવે તો કાયદાના દાયરામાં રહીને આગળની કાર્યવાહી તેઓ કરશે.
અહેવાલ :- આશિષ પાટડિયા જેતપુર