માંડવી તા. ૦૯/૦૧
માંડવીના સેવાભાવી જૈન અગ્રણી રાજેન્દ્રભાઈ માણેકલાલ ભાછા (શાહ) એ તા. ૦૭/૦૧ને રવિવારના રોજ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કર વાલા અહિંસા ધામ પ્રાગપર – મુન્દ્રા કચ્છ દ્વારા અહિંસા એવોર્ડ મેળવીને માંડવી જૈન સમાજ અને માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ નું ગૌરવ વધાર્યું છે.
જીવદયા પ્રેમી, સ્નેહી, જિનસાસન અને માનવ સેવાના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન દ્વારા ભારતભરને કર્મભૂમિ બનાવી કચ્છના વિનાશકારી ભૂકંપ વેળાએ સેવા થકી અદભુત કામગીરી બજાવી, તેમજ ફટાકડા થકી સૂક્ષ્મ કર્મદોષ અને હિંસાને રોકવા પ્રયત્નશીલ પુરુષાર્થને લક્ષ્યમાં રાખી માંડવીના રાજેન્દ્રભાઈ માણેકલાલ શાહ(ભાછા) ને જીવદયા પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કર વાલા અહિંસા ધામ દ્વારા તાજેતરમાં તા. 07/01 ને રવિવારના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં અહિંસા એવોર્ડ એનાયત કરવામાં આવેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી સમાજ રત્ન એવોર્ડ વિજેતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, માંડવીના સેવાભાવી જૈન અગ્રણી રાજેન્દ્રભાઈ માણેકલાલ શાહ(ભાછા) છેલ્લા 20 કરતા એ વધુ વર્ષોથી માંડવીમાં વાર્ષિક રૂપિયા 3,00,000/- (ત્રણ લાખ) જેવી માતબાર રકમથી સાધર્મિક ભક્તિ કરે છે. તેમને જૈન ગુર્જર સમાજ માટુંગા (પાખાડી) મુંબઈ તરફથી જૈન સમાજનો પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ પણ મળેલ છે. માંડવીના જય જિનેન્દ્ર ભક્તિ મંડળ ની સ્થાપનામાં પણ તેમનો સિંહ ફાળો છે. જય જિનેન્દ્ર ભક્તિ મંડળ માંડવી માં ઘણા વર્ષોથી દર રવિવારે પાંજરાપોળના મૂંગા પશુઓને ગોળ અને ભૂસો આપીને જીવદયા નું પ્રેરણાદાયી કાર્ય કરે છે. રાજેન્દ્રભાઈ ભાછાના ધર્મ પત્ની જયશ્રીબેન શાહને પણ જૈન સમાજનો પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ મળેલ છે.
શ્રી રાજેન્દ્રભાઈ ભાછાને છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, અને ખજાનચી જયેશભાઈ જી. શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, પ્રવીણભાઈ સંઘવી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, પરેશભાઈ સંઘવી, વિરલભાઈ નાનાલાલ શાહ, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી વી. જી. મહેતા, માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ વગેરે એ અભિનંદન પાઠવ્યા હતા.
રાજેન્દ્રભાઈ ભાછાને ઠેર-ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા