માંડવી નગર સેવા સદનની મુલાકાત લઈ રેલવે મંત્રાલયને ઠરાવ મોકલવા રજૂઆત કરી.
કાઉન્સિલ ના મિત્રો ટૂંક સમયમાં એરીયા મેનેજર ને મળવા ગાંધીધામ જશે.
માંડવી તા. ૦૮/૧૨
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલ માંડવીને ઝડપથી રેલવેની સુવિધા મળે તે માટે પ્રયત્નશીલ છે.
કાઉન્સિલના સભ્યો વાડીલાલભાઈ દોશી, દિપકભાઈ પંડ્યા, દિનેશભાઈ શાહ, લિનેશભાઈ શાહ, ભરતભાઈ કપ્ટા તેમજ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના નરેન્દ્રભાઈ સુરુ અને ચંદ્રશેનભાઈ કોટકે તાજેતરમાં માંડવી નગર સેવા સદનમાં માંડવીના નગરપતિ હરેશભાઈ વિંઝોડા અને કારોબારી સમિતિના ચેરમેન વિશાલભાઈ ઠક્કરની મુલાકાત લઇ માંડવીને રેલવેની સુવિધા આપવા ઠરાવ કરીને ભારત સરકારના રેલવે મંત્રાલય ને મોકલવા રજૂઆત કરી હતી. આ બંને આગેવાનોએ કાઉન્સિલના મિત્રોને જણાવ્યું હતું કે, અમો તાત્કાલિક ઠરાવ કરીને ભારત સરકારના રેલવે મંત્રાલયને મોકલાવી આપશું.
માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના મિત્રોએ જણાવ્યું હતું કે, માંડવીના વિકાસ માટે માંડવીનો વર્ષો જૂનો રેલવે નો પ્રશ્ન ઉકેલાય તે જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માંડવી વિસ્તારમાં બેન્ટોનાઇટના 150 યુનિટ છે. રોજિંદી 125 ટુંકો દેશભરમાં પહોંચે છે. બેન્ટો નાઈટ પંજાબ થી કન્યાકુમારી સુધી જાય છે. ઘઉં, મગફળી અને કપાસની નિકાસ થાય છે. મુન્દ્રા થી સીરાચા સુધી ગુડ્સ ટ્રેન દોડે છે. રોજિંદી ખાનગી 20 જેટલી લક્ઝરી બસો અમદાવાદ જાય છે. આમ માંડવીને રેલવેની ખૂબ જ જરૂરિયાત છે.
કાઉન્સિલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને રૂબરૂ મળીને આ પ્રશ્નને રજૂઆત કરી છે. આ બંને એ પણ ભારત સરકારના મંત્રાલયને માંડવીની રેલવેની સુવિધા આપવા લેખિતમાં રજૂઆત કરેલ છે.
કાઉન્સિલના મિત્રો ટૂંક સમયમાં રેલવેના એરીયા મેનેજરની ગાંધીધામ રૂબરૂ મુલાકાત લઇ લેખિત રજૂઆત કરવાના હોઇ કાઉન્સિલના વાડીલાલભાઈ દોશી અને દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા