20મી નવેમ્બરના ભુજમાં યોજાનારા ભવ્ય સમારંભમાં એવોર્ડ એનાયત થશે.
માંડવી તા. ૨૪/૧૦
ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સુરતની સંસ્થા ‘કલાતીર્થ’ ટ્રસ્ટ દ્વારા ઇતિહાસ – પુરાતત્વ, કલા – સંસ્કૃતિ અને પ્રવાસન સંદર્ભમાં સંશોધન કરતા સંશોધકોને રાજ્યકક્ષાના સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ માટે ગઈકાલે તા. 23/10 ના જાહેરાત થતા આ એવોર્ડ માટે પરમ પૂજ્ય નરેશમુની મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશીની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃતિ સંવર્ધક માટે પસંદગી પામીને ડો. દિનેશભાઈ જોશી એ પરમ પૂજ્ય નરેશમુની પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન નું ગૌરવ વધારેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ડો. દિનેશભાઈ જોશી એ પરમ પૂજ્ય નરેશમુનિ મ.સા.ના વ્યસનમુક્તિ અભિયાનના સંપાદિત કરેલા પુસ્તકો પૈકી “સંકલ્પ” પુસ્તકના કેટલાક મુદ્દાઓનો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક શાળા મંડળના ધોરણ 12 ના શારીરિક અને સ્વાસ્થ્ય શિક્ષણમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું વ્યસનમુક્તિ અભિયાન ના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
ડો. દિનેશભાઈ જોશીની આ સિદ્ધિ બદલ તેમને ઇન્દોર (મધ્યપ્રદેશ)માં ચાતુર્માસ ગાળી રહેલા વ્યસનમુક્તિ અભ્યાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુની મ.સા. અને તેમના શિષ્ય ઓજસમુનિ મ.સા. (કચ્છી સંતો) વ્યસનમુક્તિ અભિયાનના મોભી ઈશ્વરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી દિનેશભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા.
આવતા મહિને તા. 20/11/2023 ના ભુજમાં રાજ્યની વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સભાખંડમાં યોજાનાર એક સમારંભમાં ડો. દિનેશભાઈ જોશીને સન્માન પત્ર, શાલ તથા શેઠ તલકશી પાલણ વિસરીયા પુરસ્કૃત રૂપિયા 11,000 રોકડ રાશિ અને એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવશે.
ડો. દિનેશભાઈ જોશીને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા