નવરાત્રીએ આસુરી શક્તિ પર ઈશ્વરીય શક્તિના વિજયનો તહેવાર છે : બ્રહ્માકુમારી સુશીલાદીદી

સમાઘોઘા જિંદાલ કોલોનીમાં નવરાત્રી પર્વ નિમિત્તે યોજાયેલ ત્રિદિવસીય કાર્યક્રમમાં વ્યસન મુક્તિ નાટક સાથે નવરાત્રીના આધ્યાત્મિક રહસ્યોની સમજ આપવામાં આવી

મુન્દ્રા, તા.24: બ્રહ્માકુમારીઝ મુન્દ્રા સેવા કેન્દ્ર દ્વારા સમાઘોઘાની જિંદાલ કોલોનીમાં નવરાત્રી પર્વ નિમિત્તે ત્રિદિવસીય વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં દેવીઓની ચેતન્ય ઝાંખી, વ્યસન મુક્તિ નાટક સાથે નવરાત્રી તહેવારના આધ્યાત્મિક રહસ્ય વિશે સમજ આપવામાં આવી હતી.


ચૈતન્ય ઝાંખીનું ઉદઘાટન સમાઘોઘાની જિંદાલ કંપનીના યુનિટ હેડ વી. રાજશેખર, એચ. આર. હેડ પ્રિતેષભાઈ ભટ્ટ તેમજ બ્રહ્માકુમારી સુશીલાદીદીના વરદ હસ્તે દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યું હતું. જેમાં દેવી સ્વરૂપ ધારણ કરેલ યોગનિષ્ઠ એકાગ્ર સ્થિતિમાં બેઠેલી કન્યાઓ દ્વારા ઉપસ્થિત સર્વ ભાઈ-બહેનોને ઈશ્વરીય શક્તિનો અદભુત અનુભવ કરાવવામાં આવ્યો હતો.


વ્યસન મુક્તિ નાટકમાં બ્રહ્માકુમાર ભાઈઓ દ્વારા સિગારેટ, શરાબ, તમાકુ, પાન-મસાલા, ડ્રગ્સ જેવા અલગ અલગ વ્યસનના પાત્રો ધારણ કરી વ્યસનરાજ અને બ્રહ્માકુમારી બહેનના સંવાદ દ્વારા વ્યસન મુક્તિની સમજ આપવામાં આવી હતી. નાટકના અંતે બુલંદ અવાજમાં વ્યસનમુક્તિના નારા લગાવવાની સાથે અનેક ભાઈ-બહેનોએ વ્યસનનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી સાચા અર્થમાં વિજયાદશમી મનાવી હતી.
રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદીએ પોતાની ભાવવાઇ શૈલીમાં નવ દિવસ સુધી ઉજવાતા નવરાત્રી તહેવારનો આધ્યાત્મિક રહસ્ય સમજાવતા જણાવ્યું હતું કે નવરાત્રીએ આસુરી શક્તિ પર ઈશ્વરીય શક્તિના વિજયનો તહેવાર છે. જેમાં આધ્યાત્મિક રહસ્યોની જાણકારી મેળવી આસુરી અવગુણોને નાશ કરવાની સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં જિંદાલ કંપનીના ચેરમેન ભ્રાતા પી.આર. જિંદાલ ખાસ ઉપસ્થિત રહીને ચેતન્ય દેવીઓની ઝાંખીના દર્શન કરી મુક્ત મને સરાહના કરતા આગામી નવરાત્રીમાં વિશાળ પાયે આવી ઝાંખી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિંદાલ કંપનીના વ્યવસ્થાપકો બ્રહ્માકુમારીઝ પરિવારના સર્વે ભાઈ-બહેનોએ સહયોગ આપ્યો હતો. હજારો ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લઈને ધન્યતાની અનુભૂતિ કરી હતી.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *