માંડવી તા. ૨૩/૧૦
માંડવી આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, રાષ્ટ્રીય સંત પંડિતરત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત છોટાલાલજી મહારાજ સાહેબની 107 મી જન્મતિથિ વિવિધ કાર્યક્રમોથી ઉલ્લાસભેર ઉજવાઇ હતી.
પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી ઠાણા ૪ ની નિશ્રામાં રાષ્ટ્રીય સંત, પંડિતરત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી છોટાલાલજી સ્વામી મહારાજ સાહેબની 107 મી જન્મતિથિના દિવસે તાજેતરમાં, સંયમ ઉપકરણ વંદનાવલી પ્રોગ્રામ ઉપકરણોની તપત્યાગથી ઉછામણી કરવામાં આવી હતી. જેમાં રજોહરણ ૬ હજાર ૩૬ સામયિક થી લક્ષ્મીબેન દેઢિયા (પૂજ્ય પરિતાબાઇ મહાસતીના સંસારી બેન) એ લાભ લીધો હતો. પાત્રા 231 આયંબિલથી મૃદુલાબેન સંઘવી પરિવારે, પોથી 251 ગાથામાં ઉષાબેન શેઠે, નવકારમાળા રંજનબેન (પૂજ્ય પરીતાબાઇ મહાસતીના સંસારી બેન) એ, ગુચ્છો પલ્લવીબેન શાહે મૌનથી, સંથારીયુ 801 દિવસ સચેત પાણીના ત્યાગથી લક્ષ્મીબેન દેઢિયાએ લીધેલ હોવાનું આઠકોટી મોટીપક્ષ માંડવી ના પ્રમુખ ભાવિનભાઈ સંઘવી અને મંત્રી નિલેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
દરેક ઉપકરણો પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ એક એક ઉપકરણોનું વિવેચન પૂજ્ય દર્શિતાબાઈ મહાસતીએ સુંદર છણાવટથી કરેલ હતું. અક્ષીતાબાઇ મહાસતીને વંદના વલી સાથે ધાર્મિક સંવાદનો પ્રોગ્રામ તૈયાર કરાવેલ હતો. આ સાથે એકાસણા કરાવવાનો લાભ નિલમબેન ગાલા પરિવાર એ લીધો હતો. જેમાં ૪૫ આરાધકો જોડાયા હતા.
બપોરે સામાયિક સંપૂટ, પ્રશ્નમંચમાં સારી સંખ્યામાં આરાધકોએ લાભ લીધો હતો. પ્રોગ્રામમાં પ્રોત્સાહન આપવાનો લાભ હરખચંદભાઈ (ભોજાયવાલા) એ લીધો હોવાનું સામાજિક જૈન અગ્રણી અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. શ્રી સંઘ ગુરુભક્તો પરિવાર તરફથી અનુમોદનાઓ કરવામાં આવેલ હતી. ગુરુ ભક્તિથી સંઘમાં આનંદ – ઉલ્લાસ છવાયો હતો
અહેવાલ :- ઇમરાન અવાડીયા