2001ના ગોજારા ભૂકંપ વખતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના તત્કાલીન પ્રમુખ દિલીપસિંહ ગોહિલે કચ્છના પ્રાથમિક શિક્ષકોને રાજ્ય સંઘ તરફથી રૂપિયા 26 લાખની માતબાર રકમની સહાય કરી હતી.
રાજ્યના લાખો શિક્ષકોને ઘણા આર્થિક લાભો તેમણે અપાવ્યા હતા. તેમજ ગાંધીનગરમાં ચાણક્ય ભવન બનાવવામાં તેમનો સિંહ ફાળો હતો.
માંડવી તા. ૧૯/૧૦
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને રાજ્યના લાખો પ્રાથમિક શિક્ષકોના હૃદયમાં જેનું સ્થાન હતું તેવા નીડર અને બાહોશ આદરણીય દિલીપસિંહ ગોહિલ નું બુધવારે ભાવનગર જિલ્લામાં નિધન થતા સમગ્ર રાજ્યના લાખો પ્રાથમિક શિક્ષકો સાથે કચ્છ જિલ્લાના હજારો પ્રાથમિક શિક્ષકોમાં ધેરા શોકની લાગણી ફેલાઈ છે.
કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના મહામંત્રી તરીકે સતત ૧૯ વર્ષ સુધી સેવા કરીને નિવૃત્ત થયેલા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ મહામંત્રી દિનેશભાઈ શાહે, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ આદરણીય દિલીપસિંહ ગોહિલને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, દિલીપસિંહ ગોહિલનું રાજ્યના લાખો પ્રાથમિક શિક્ષકોના હૃદયમાં સ્થાન હતું. તેમણે 2001માં આવેલા ગોજારા ભૂકંપમાં રાજ્ય સંઘમાંથી કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને 26 લાખ રૂપિયા જેટલી માતબાર રકમની આર્થિક સહાય કરી હતી. કાટમાળ કૌભાંડમાં સપડાયેલા કચ્છના પ્રાથમિક શિક્ષકોને પણ ખૂબ જ મદદ કરી હતી. ગાંધીનગરમાં રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે ચાણક્ય ભવન બનાવવામાં પણ તેમનો સિંહ ફાળો હતો. જમીન પણ તેમણે જ મંજૂર કરાવી હતી. રાજ્યના લાખો પ્રાથમિક શિક્ષકો માટે સરકાર ખાતે રજૂઆત કરીને ખૂબ જ આર્થિક લાભો અપાવ્યા હતા. તેઓ વ્યસનમુક્તિ અભિયાન પણ ચલાવતા હતા. તેઓએ ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને પ્રમુખ તરીકે ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરેલ હતું. તેમના નિધનથી રાજ્યના અને કચ્છના પ્રાથમિક શિક્ષકોએ સંગઠનના સાચા સારથી ગુમાવ્યા છે. તેમના નિધનથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
સ્વ. દિલીપસિંહ ગોહિલ ને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઈ ગોહેલ, કાર્યાધ્યક્ષ શ્રી હરદેવસિંહ જાડેજા, ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા અને મંત્રી વિલાસબા જાડેજા (બંને ભુજ) તથા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, પૂર્વ મહામંત્રી દિનેશભાઈ શાહ અને ધનજીભાઈ સોની, પૂર્વ કાર્યાધ્યક્ષ દાનુભા જાડેજા અને પૂર્વ ખજાનચી પ્રજ્ઞેશભાઈ છાયા એ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપીૅ હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા