છેલ્લા 14 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે, તાજેતરમાં મૂળ વતન ભુજ તાલુકાના સુખપર અને હાલમાં લંડન ને પોતાની કર્મભૂમિ બનાવનાર દાતા નારણભાઈ શિવજીભાઈ ભુવાના સૌજન્યથી સળંગ ત્રણ રવિવાર દરમિયાન ભુજની જનરલ હોસ્પિટલમાં એક હજાર (1,000) જેટલા દર્દીઓને ફ્રુટ સાથે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી ની યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી દર રવિવારે ભુજની જનરલ હોસ્પિટલમાં 300(ત્રણસો) કરતા પણ વધારે દર્દીઓને રૂબરૂ મળી ફ્રુટ તથા વિવિધ વસ્તુઓનો વિતરણ કરવામાં આવે છે. સંસ્થાની આ સેવાથી પ્રભાવિત થઈ દાતા નારણભાઈ શિવજીભાઈ ભુવા (સુખપર – લંડન) ના સહયોગથી સળંગ ત્રણ રવિવાર સુધી 1000 જેટલા દર્દીઓને ભુજની વિવિધ પ્રકારના ફ્રુટ, બિસ્કીટના પેકેટ તેમજ બાળ દર્દીઓને ચિત્રપોથી, કલરપોથી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેવાના આ સથવારે સંસ્થાના પ્રમુખશ્રી વી.જી.મહેતાના નેતૃત્વમાં હિરેન દોશી, પ્રદીપ દોશી, નિવૃત્ત પી.આઈ. કે.બી.પરમાર, કૌશિકભાઈ મહેતા, શાંતિલાલ મોતા, ઓજશ શેઠ, રિષભ દોશી, વંદન દોશી, દેવાંશ શાહ, ચિંતન મહેતા, દિનેશ મહેતા, હિમાંશુ મહેતા વગેરે કાર્યકરો જોડાયા હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા