સ્વતંત્રતા દિવસે જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત ત્રણ સ્માર્ટ ક્લાસનું નિવૃત ફૌઝી દ્વારા કરાયું ઉદ્દઘાટન
સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા.
ટેકનોલોજીના માધ્યમથી છેવાડાના ગામના બાળકો પણ ડીઝીટલ શિક્ષણ મેળવી શકે અને અભ્યાસક્રમને સરળ રીતે સમજી શકે એ હેતુથી ડીઝીટલ ઇન્ડિયાના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈ ગુજરાત સરકારના ડીઝીટલ શિક્ષણ ક્ષેત્રના પ્રયાસોને વેગ આપવા જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત મુન્દ્રા તાલુકાની રતાડીયા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસે ત્રણ સ્માર્ટ ક્લાસનું ગામના નિવૃત ફૌઝી પરાક્રમસિંહ જાડેજા અને રમેશચંદ્ર સોલંકીના હસ્તે મહેમાનો, સ્ટાફ અને ગ્રામજનોની હાજરીમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
સ્માર્ટ કલાસ અંગે વધુ જાણકારી આપતા શાળાના આચાર્ય ધીરુભા ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ત્રણ એન્ડ્રોઇડ સિસ્ટમ વાળી ફૂલ સાઈઝની ટીવી તથા ત્રણ લેપટોપ બાળકોના અભ્યાસ અર્થે શાળાને ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન, ભૂગોળ જેવા કઠિન વિષયોને સરળતાથી ઓડિયો – વીડિયોના માધ્યમથી સમજી શકશે અને એની રુચીમાં વધારો થતાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની હાજરીની નિયમતતા અને અભિરુચિમાં વધારો થશે.
આ ટીવીમાં વિવિધ એપ્લિકેશન અને ઉપગ્રહ પ્રસારણ દ્વારા તજજ્ઞોના પાઠ પણ ઓનલાઈન શીખવી શકાશે એવી માહિતી આપવામાં આવી હતી.
મારી માટી મારો દેશ અંતર્ગત ગામના નિવૃત ફૌઝી પરાક્રમસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આચાર્ય ધીરુભા ચૌહાણે શાબ્દિક સ્વાગત કર્યા બાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કરીને બહોળી સંખ્યામાં હાજર રહેલ ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.
બાળકોને પ્રોત્સાહિત કરવા વિવિધ ઇનામો સહિત 8000 રૂપિયાનો ફાળો વાલીઓ, સ્ટાફ અને ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન વિક્રમભાઈ દેસાઈ દ્વારા તથા આભારવિધિ દેવાંગભાઈ રામી દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે જૈન મહાજન તરફથી સૌને પ્રસાદ આપવામાં આવ્યો હતો.
અહેવાલ :- ઇમરાન અવાડીયા