જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩ ના પૂર્વ નિવૃત શિક્ષિકા શ્રીમતી સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર માતૃશ્રી માનવંતીબેન મણીલાલ પાનાચંદ મહેતા તરફથી તારીખ 25-07 ને મંગળવારના, માંડવીના કિરણ ક્લિનિકમાં ડાયાબિટીસનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશી એ પ્રમુખ સ્થાનેથી દીપ પ્રગટાવીને, કેમ્પને ખુલ્લો મુકતા સ્વ.રંજનબેન શાહને શ્રદ્ધાંજલિ અર્પિ તેમના પરિવાર તરફથી આજે શહેરની 11 જેટલી સંસ્થાઓના માધ્યમથી જીવદયા – માનવસેવા તેમજ મેડિકલ કેમ્પના આયોજનની સરાહના કરી હતી.
અતિથિ વિશેષ પદેથી પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ અને છ કોટી જૈન સંઘ માંડવીના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ જી. શાહે, સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહ ના પરિવાર તરફથી પાંચ વર્ષથી રંજનબેન શાહની પુણ્યતિથિએ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરવા બદલ દિનેશભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રારંભમાં દાતા પરિવારના દિનેશભાઈ શાહે, માંડવીની 11 જેટલી સંસ્થાએ આપેલા સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી, ડો. જય મહેતાની સેવા ભાવનાને બિરદાવી હતી. કેમ્પમાં ગ્લુકોમીટરની મદદથી બ્લડ સુગર તેમજ પ્રેસરનું ચેકઅપ કરી આપવામાં આવેલ હતું. કેમ્પનો બહોળી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો.
ડો. જય મહેતાએ જણાવ્યું હતું કે આજે 233 મો કેમ્પ યોજાઇ રહ્યો છે. આજે જ્યારે ડાયાબિટીસનું પ્રમાણ વધતું જાય છે ત્યારે સ્વ.રંજનબેન શાહના પરિવારે ડાયાબિટીસનો નિ:શુલ્ક કેમ્પ ગોઠવવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે માંડવીના નગરજનોને કિરણ ક્લિનિકમાં યોજાતા નિ:શુલ્ક મેડિકલ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે દાતા પરિવારના વર્ધમાન મણિલાલ મહેતા તથા ભારાપરના વસંતભાઈ કાનજી પટેલ કેમ્પમાં સહયોગી રહ્યા હતા.
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા