ભુજ મધ્યે શ્રી ગુદેશ્વર યુવક મંડળ (કથા સમિતિ) દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે માંડવીના “શ્રી ધર્મભક્તિ સંસ્કાર કેન્દ્ર”ના અધ્યક્ષ વિદ્રાન ભાગવત કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રીજીના વ્યાસાસને શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા તારીખ 21/07 શુક્રવારથી શરૂ થઈ છે.
શિવનું મહાત્મ્ય વર્ણવતા શાસ્ત્રીજી શિવજીના પંચવકત્ર (પંચમુખ) વિશે વર્ણન કર્યું હતું. પંચવકત્ર શિવની ઉપાસના માનવમાત્રને પાંચ મહાપાપથી દૂર રાખે છે. પાંચ મહાપાપ એ બ્રહ્મહત્યા, ગૌહત્યા, મદિરાપાન, ગુરુ પ્રત્યે અને પરસ્ત્રી પ્રત્યે કુદ્રષ્ટિ અને એ પાંચની સોબત કરે એ પણ મહાપાપી હોવાનું જણાવ્યું હતું.
શાસ્ત્રોમાં પ્રયાગતીર્થને ધર્મ ક્ષેત્ર તરીકે વર્ણવ્યો છે. ઋષિમુનિઓએ યજ્ઞકાર્ય આરંભતા યજ્ઞ નારાયણના દર્શન કરવા વેદ વ્યાસજીના શિષ્ય પુરાણજી પધારે છે. ઋષિઓએ સુતજી પાસેથી જ્ઞાન અને ધર્મની ગાથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. સુતપુરાણજીના સંદર્ભે શાસ્ત્રીજી એ કળિયુગમાં કથા શ્રવણનું મહત્મ્ય આગળ ધપાવ્યું હતું. શંકર ભગવાને પ્રથમ વખત સો(૧૦૦) કરોડ શ્લોક દ્વારા શિવપુરાણ ની રચના કરી હતી.
વેદ વ્યાસજીએ ચાર લાખ શ્લોકને સમાવતા લઘુ શિવ પુરાણ સમાવ્યુ. ત્રીજી વખત એક લાખ શ્લોકો સમાવિષ્ટ કર્યો. જ્યારે ચોથી વખત 24,000 શ્લોકમાં શિવ પુરાણમાં શિવ મહાત્મ્યને સમાવ્યું, જે સંહિતામાં વિભાજીત છે. પ્રથમ સહિતા એ વિધ્વેશ્વર સંહિતા ત્યારબાદ ક્રમશઃ રુદ્ર સંહિતા, શત રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા તથા વાયુ સંહિતા છે.
ભક્તોને જકડી રાખતી શાસ્ત્રીજીની મધુર શૈલીને બ્રાહ્મણ વૃંદ અને કલાકાર વૃંદ પૈકી શ્રી વિવેકભાઈ જોશી, રાજુભાઈ વેદાંત, પારસભાઈ માલમ અને હાર્દિકભાઈ ઠાકર સંગીત પર સાથ આપી રહ્યા હોવાનું માંડવીના નિવૃત્ત શિક્ષક અગ્રણી દિનેશભાઈ શાહે અને કથાના મુખ્ય આચાર્ય શ્રી વિવેકભાઈ જોશી એ જણાવ્યું હતું.
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા