માંડવી, તા.૧૫
માંડવી બંદરે સમસ્ત જૈન સંઘના ઉપક્રમે આજથી આયંબીલની ઓળીની માંડવીની જૈનપુરીમાં શુભારંભ થયેલ.
છ કોટી સ્થાનકવાસી જૈનસંઘના ત્રિગુણ સ્થવીરા પ.પૂ.હંસાબાઈ મ.સ. આદિઠાણા-૨, આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈનસંઘના પ.પૂ.અર્ચનાબાઈ મ. આદિઠાણા-૪, અચલગચ્છ જૈનસંઘના પરમ પુજય નંદીવર્ધનાશ્રીજી મ.સા. આદિઠાણા-૪ અને પ.પૂ. આગમકિરણાશ્રીજી મ.સા. આદિઠાણા-૩ તથા તપગચ્છ જૈનસંઘના પ.પૂ.દિવ્યગીરાશ્રીજી મ.સા.આદિઠાણા-૩ની પાવન નિશ્રામાં માંડવીના સમસ્ત જૈન સંઘના ઉપક્રમે પાંચેયગચ્છની ચૈત્રમાસની શાશ્વતી આયંબિલ તપની ઓળીનો સંપૂર્ણ લાભ માતુશ્રી પ્રભાબેન કાંતિલાલ વસા હસ્તેઃ મીનાબેન હેમંતભાઈ વસા, રાધિકાબેન તેજસ વસા અને એલિશા તેજસ વસાએ લીધેલ હોવાનું માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહ અને જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.
પ.પૂ. હંસાકુમારી મહાસતીજીની નિશ્રામાં પ.પૂ. અર્પિતાબાઈ મહાસતીજીએ નવપદ શા માટે ? તથા અરિહંત પદની ઓળખ અંગે મોટા સ્થાનકમાં પ્રવચન આપતાં આજ રોજ જણાવેલ કે, પાણી અને પરમાત્માની વાણી આ બન્ને જીવનમાં આવશ્યક છે બન્ને નું એક જ કાર્ય છે શુધ્ધિ કરણ…
પાણી પેટની શુધ્ધિ કરે, દેહની શુધ્ધિ કરે, વસ્ત્ર અને પાત્રની શુધ્ધિ કરે, જયારે પરમાત્મા ની વાણી આત્માની શુધ્ધિ કરે. અનાદિ અનંતકાળ થી ચાર ગતિ રૂપ આ સંસારમાં પરિભ્રમણ કરતાં કર્મ મલથી મલિન બનેલા આત્માને પરમાત્માની વાણી શુધ્ધાત્મા બનાવે છે…
અને એટલે જ નવપદની આરાધના કરવી અતિ આવશ્યક છે. નવપદમાં દેવ-ગુરૂ-ધર્મ-એવા અમૂલ્ય ત્રણ તત્વ સમાયેલા છે. જો એક મામુલી રત્ન આપણને મફતમાં મળી જાય તો આપણે ખુશ–ખુશાલ બની જઈએ જયારે આ ત્રણ તત્વ, ત્રણ મૂલ્યવાન રત્ન સમાન છે જે આપણને નવપદ રૂપે સહજતા થી મળ્યા છે… એ નવપદ માંથી મળે છે. વિકારશાંતિ-વૈરાગ્ય પુષ્ટિ, અને વિચાર શુધ્ધિ, આત્મોત્થાન માટે છે આ નવપદ એ નવપદના આરાધના કરે, કરાવે અનુમોદના કરે એ ધન્યવાદને પાત્ર છે.
નવપદમાં પ્રથમ પદ છે. અરિહંત પદ… અરિહંત પરમાત્મા-પ્રચંડ-પ્રબળ-પ્રવર પુણ્યના એ સ્વામી જેમણે મહાભયંકર દોષો એવા રાગ અને દ્વેષ ને જડમૂળથી સાફ કરી નાખ્યા અને એના જ પ્રભાવે બન્યા અનંત ગુણોના સ્વામી !
અરિહંત પરમાત્મા જગતના સર્વ જીવોને અનંત ગુણોના સ્વામી બનાવવા માહણો-માહણો ના શબ્દ ધ્વની થી દેશના આપી આપણા ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે.
એમની સાથે આપણી ઓળખાણ કેટલી ? ભૌતિક જગતમાં કોઈ શકિતશાળી વ્યકિત સાથે આપણી ઓળખાણ હોય તો આપણું જટિલ કાર્ય આસાન બની જાય તો આધ્યાત્મિક જગતમાં અરિહંત પરમાત્માની ઓળખાણ હોય તો આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ આ સંસારની સમસ્ત સમસ્યા સમાપ્ત થઈ જાય… પ્રશ્ન પુછિએ આપણી જાતને અનંતગુણોના સ્વામી પ્રત્યે આપણી શ્રધ્ધા કેટલી ?
ઓળીનો પ્રથમ દિવસે ૧૫૫ આરાધકો આયંબીલની તપસ્યા કરેલ જયારે સમસ્ત જૈન સમાજના અલગ-અલગ સંઘો, મહિલા મંડળો, ગ્રુપો વિગેરેએ તપસ્વીઓને પીરસીને વૈયાવચ્ચનો અમુલ્ય લાભ મેળવ્યો હતો.
ચંદ્રેશભાઈ શાહ અને તેમની ટીમ આયોજન માટે જહેમત ઉઠાવી રહી છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા