“કચ્છડો ખેલે ખલકમેં,જીં મહાસાગર મેં મચ્છ,
જિત હિકડો કચ્છી જ વસે, ઉતે ડીંયાંડીં’ કચ્છ.” -દુલેરાય કારાણી
કચ્છના ‘મેઘાણી’ દુલેરાય કારાણી એટલે ‘લોકસાહિત્યનો કળાયલ મોરલો’. તા.૨૬મી ફેબ્રુઆરી, ૧૯૮૯ રવિવારે કારાણીજીની ચિર: વિદાય થતાં, એમનો જન્મદિન જ એમની પૂણ્યતિથિ બની ગયો ! એક ‘પૂર્ણ વ્યક્તિત્વ’ની વિદાયને જાણે કુદરતે પણ અદબ બક્ષી, કહોને પૂર્ણતા બક્ષી. આ દિન કચ્છ માટે એક કાયમી સ્મૃતિદિન બની રહે એ માટે હું વર્ષોથી સતત રજૂઆત કરતો રહેતો કે એ દિનને ‘વિશ્વ કચ્છી ભાષા દિન’ તરીકે ઉજવવામાં આવે. છેવટે સફળતા મળી છે. ચાર દાયકાથી વધુ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા ‘કચ્છ શક્તિ’ એ આ અંગે નિર્ણય લીધો. વિશ્વભરમાં સાહસિક કચ્છીઓ વસે છે તેથી ૨૦૨૨થી તા.૨૬મી ફેબ્રુઆરીએ પ્રતિવર્ષ ‘વિશ્વ કચ્છી ભાષા દિન’ તરીકે હોંશભેર ઉજવાઈ રહ્યો છે. યોગ્ય નિર્ણય લેવા બદલ મારી પ્રસન્નતા વ્યક્ત કરવા સાથે, સંસ્થાનો આભાર માનું છું.
એક સમયે ‘કુરો કુજાડો’ કહેવાતી કચ્છીનું મ્હેણું કચ્છી સાહિત્યકારોએ ભાંગ્યું.
કારાણીજી એ તો લખ્યું
”કુરો કુજાડો’ કચ્છી, તું પ થી તૈયાર,
કચ્છી પાણીવારી વીર વાણીકે તાં,
‘કારાણી’ ચે,’મિણીનું વડેરી મહારાણી’ કરે વ્યારીયાં.”!
અત્રે ઉલ્લેખનીય છે કે મુંદ્રાની દરબારી તાલુકા શાળાને કારાણીજીનું નામ આપવા અંગેના મારા પ્રયત્નોને કચ્છ ઈતિહાસ પરિષદના તત્કાલીન પ્રમુખ સ્વ.સાવજસિંહભાઈ જાડેજાનો સક્રિય સહયોગ મળતાં સફળતા મળી હતી.
મને એ વિચાર સતાવતો રહેતો કે કચ્છના ‘મેઘાણી’ કવિ કારાણીજી વર્ષો સુધી વિસ્મૃતિ ગર્તામાં ધકેલાઈ ગયા હતા. કાગબાપાની જેમ,’કારાણી કથા’ થવી જોઈએ.
ક્રાંતિવીર શ્યામજીકૃષ્ણવર્મા કાળની ગર્તામાં વિલીન થાય એ પહેલાં પ્રજાએ જાગૃતિ દાખવી અને મોદીસાહેબએ અંગત રસ લીધો .તો પ્રયત્નો રંગ લાવ્યા.એ જ રીતે કારાણીજીનીપુણ્ય સ્મૃતિ સચવાય. એ માટે આશા સેવતો કે આવો જ કોઈ ચમત્કાર થાય. અને એમનો સ્મૃતિદિન ૨૦૨૨થી ઉજવાઈ રહ્યો છે, અલબત્ત, વિઆરટીઆઈએ કારાણીજીએ સાહિત્ય અંગે સેમીનાર યોજ્યો હતો અને દળદાર સ્મૃતિ ગ્રંથ પ્રગટ કર્યો હતો. હવે ‘કચ્છ શક્તિ’ દ્વારા ‘કારાણી એવોર્ડ’ સાથે વિવિધ આયોજનો કરીને ‘સ્મૃતિ દિન’ ઉજવે છે. આ માટે હેમરાજભાઈ શાહના સહયોગની નોંધ લેવી રહી.
ભાવનગરના પ્રતાપી રાજવી કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન અપાવવા,૬૫૦૦૦ સહીઓ સાથેની સહી ઝૂંબેશ થઇ હતી. કચ્છના કારાણીજીને ‘માનદ ડોક્ટરેટ’ ની પદવી અપાવવા આવી ‘સહી’ ઝૂંબેશ થાય .કોઈના દિલમાં રામ વસે !
નિયમિત યોજાતી પુસ્તક પરબોમાં કારાણીજીનાં પુસ્તકોનો અભાવ હોય છે જે, મને તો રીતસર ખટકે છે. કચ્છનાં મુખ્ય પુસ્તકાલયોમાં ‘કારાણી કોર્નર’ હોવું જોઈએ.
જેમ કચ્છ માટે કહેવાય છે ”ભૂકંપ પહેલાંનું કચ્છ અને ભૂકંપ પછીનુ કચ્છ” એમ કચ્છી ભાષા માટે કહેવુ જ પડે.”કારાણીજી પહેલાની અને કારાણીજી પછીની ભાષા સમૃદ્ધિ”
કારાણીજીને ઝનૂનપૂર્વક યાદ કરતાં, કચ્છી ‘બાબાણી’ બોલીની અસલી તાકાત એમની રચનાઓ થકી કારાણીજીએ સુપેરે દર્શાવી છે.બળુકી ‘કચ્છી ભાષા’નું આ છે ”શક્તિ-પ્રદર્શન”.
”રુક જેડી નક્કર, સક્કર જેડી શીરી વારી,
અક્કડ અનોખી અતિ ગતિ રામ બાણજી
કુછે મે કડક કચ્છી પાણી જે કડાકે વારી,
વિજ જે વરાકે વારી, જોય જિન્ધજાનજી,
તાજી ઘોડો છૂટે, તુટે તોપ જો ગલોલો તેડી,
‘કારાણી’ ચે, ચોટ કચ્છી વાણી જી કમાનજી.!
”મુંજી માતૃભૂમિ કે નમન..’કચ્છનું ”રાષ્ટ્રગીત’ ગણાય છે
તો આ રચનાને કચ્છનુ ‘વંદે માતરમ’ કહી શકાય. !
શ્રી. શક્તિસિંહ ગોહિલ જયારે અબડાસાના ધારાસભ્ય હતા ત્યારે ભાષાવિદ્દ માધવભાઈ જોશીએ કચ્છી ભાષાને માન્ય ભાષામાં સ્થાન મળે એ માટે વિધાનસભા કે સંસદમાં માગ મૂકવા તેમને કહ્યું હતું.
શક્તિસિંહજી જણાવ્યું હતું કે, “મારા ધારાસભ્ય તરીકેના કાર્યકાળમાં લોકસંપર્કમાં મને પણ અહેસાસ થયો કે કચ્છી ભાષાને આઠમી અનુસૂચિમાં નહીં લેવામાં આવે અને આ ભાષાની ખેવના નહીં રાખીએ તો સમૃદ્ધ સાહિત્ય ધરોહર ધરાવતી આ ભાષા લુપ્ત થઈ જશે અને ગુજરાત તેના લાભથી વંચિત રહી જશે. એટલે મેં મનથી નક્કી કર્યું હતું કે મોકો મળે એટલે સંસદમાં આ વાત હું મૂકીશ.” અને ૨૧૦૪માં રાજ્યસભામાં એમણે સચોટ રજૂઆત કરી હતી.
કચ્છના લોકો એટલે મીઠા બોલા લોકો, કચ્છીઓની માતૃભાષા એવી મીઠી બોલીને પ્રાચીન કચ્છી ભાષા તરીકેની બંધારણીય માન્યતા મળે તે માટે ઘણા પ્રયત્નો થયા છે. એ વિષે અલગથી લેખ લખી શકાય.
કચ્છ મુલક ને માડુ મિડે મીઠા તેમ કચ્છી ભાષા કડક મીઠી છે, એ ઇન્ડો-આર્યન ભાષા છે. એની લિપિ હોવી જોઈએ. ક્ચ્છીને બંધારણીય માન્યતા મળે એ માટે એક સંગઠન ઉભું કરીએ, સહી ઝૂંબેશ જેવી. સામુહિક નક્કર રજૂઆત કરીએ સાથે પ્રજાના ચૂંટાએલા પ્રતિનિધિઓને પણ એમાં સામેલ કરીશું તો જ આપણી રજુઆતનો અસરદાર પરિણામલક્ષી પડઘો પડશે. તેવું કનૈયાલાલ એચ. અબોટી ( કચ્છ ઈતિહાસ પરીષદ – ભુજ -ખજાનચી) દ્ધારા જણાવ્યું હતું
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા