કોઈ સરકારી અધિકારી નિવૃત થાય અને તેમને લાગણીસભર શુભેચ્છા પાઠવવા ઘણા લોકો ઉમટે તેવું ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો ભુજના ભૂતપૂર્વ તાલુકા આરોગ્ય અધિકારી ના નિવૃત્તિ અવસરે જોવા મળ્યા હતા.
૩૫ વર્ષ ઉપરના સેવાકાળ પછી નિવૃત થતા તબીબી અધિકારી ડો. ગાલા નો વિદાય સમારંભ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ની અધ્યક્ષતામાં અને ક.વિ.ઓ. ભુજ ના પ્રમુખ શ્રી જીગરભાઈ છેડાની અતિથી વિશેષ તરીકે હાજરીમાં હોટેલ સેવન સ્કાય મધ્યે યોજાયો હતો. સમારંભ માં કચ્છના પૂર્વ આરોગ્ય અધિકારી ડો. કન્નર, જીલ્લા RCHO ડો.ખત્રી, ડો. અરોરા,,ભુજ તાલુકાના આરોગ્ય કર્મીઓ તથા પરીવારજનોએ જુના સંભારણા વ્યક્ત કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ડો. ગાલા એ પોતાની કારકિર્દી ૧૯૮૮ થી ભુજપુર પ્રા.આ.કેન્દ્ર માં શરુ કરી હતી. ૨૦૦૦ થી કોટડા (ચ ) અને ૨૦૦૭ થી ૨૦૨૩ સુધી તાલુકા આરોગ્ય અધિકારી ભૂજ તરીકે કાર્યભાર સંભાળેલ હતો. ૨૦૨૩ થી તેમને પ્રોમોશન મળતા નિવાસી તબીબી અધિકારી ક્લાસ ૧ ઓફિસર તરીકે માનસિક આરોગ્ય હોસ્પિટલ ભુજ ખાતે બઢતી સાથે બદલી થયેલ હતી. કારકિર્દીના સમયગાળા દરમ્યાન ડો. ગાલાએ જીલ્લા TB ઓફિસર, જીલ્લા આયુર્વેદ અધિકારી, એપેડેમીક મેડીકલ ઓફિસર ના વધારાના ચાર્જ સંભાળેલ હતા. આ સમયગાળા દરમ્યાન સ્વાઇન ફ્લુ, કોવિડ, ડેન્ગ્યું, તથા ભૂકંપ વખતે તેમણે કરેલ કામગીરી અને ભુજમાં પડેલ ખુબજ વરસાદ દરમ્યાન રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયેલ તે સમયે કરેલ કામગીરીને બિરદાવવામાં આવેલ હતી. આ સમય ગાળા દરમ્યાન કાયાકલ્પ અંતર્ગત NQAS અંતર્ગત તેમને આપેલ યોગદાનને બિરદાવવામાં આવેલ હતું.
સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ક.વિ.ઓ. ભુજ ના પ્રમુખ શ્રી જીગરભાઈ છેડાએ શાલ ઓઢાડીને ડો. ગાલા સાહેબનું સન્માન કર્યું હતું. શ્રી વિનોદભાઈ ચાવડાએ ડો. ગાલા ને નિયમોનુસાર કાર્ય કરનાર અધીકારી તરીકે બિરદાવ્યા હતા.
પ્રારંભમાં આ સમારોહમાં હાજર સર્વે મહાનુભાવો, જીલ્લાના તથા તાલુકાના આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા ભુજ તાલુકાના વિશાળ આરોગ્ય પરિવાર અને સર્વ પરિવારજનો અને સ્નેહીજનોનું શ્રી કશીષ ગાલા તથા શ્રીમતી મૈત્રી ગાલા એ અભિવાદન કરી આવકાર આપેલ હતો.
સમારોહમાં કચ્છ જીલ્લાના તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ ,જીલ્લાના આરોગ્ય અધીકારી, તથા કર્મચારીઓ મળીને ૪૦૦ વ્યક્તિનો વિશાળ સમુદાય હાજર રહ્યો હતો. અને પોતપોતાના જુના સંસ્મરણો વાગોળી ડો. ગાલા સાહેબને ક્યારેય ના ભૂલી શકાય તેવા અધીકારી ગણાવીને તેમની કામગીરી કરવાની રીત અને કર્મચારીઓ સાથેના સંબંધોને વખાણીને પોતાની ભાવના વ્યક્ત કરી હતી. અને ડો. ગાલા તેમનો નિવૃત્તિકાળ દરમ્યાન સ્વસ્થ રહીને માનવસેવાની કામગીરી કરતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
બાદમાં ડો. ગાલા એ પોતાના દરેક સગા સંબંધી પરિવારજનો અને પોતાની કારકિર્દી દરમ્યાન સાથે રહેલા સર્વે અધિકારી અને કર્મચારીઓનો આભાર માન્યો હતો. અને પોતાનાથી કોઈ પણ જાતનું દુખ પહોંચાડ્યું હોય તો માફી માંગીને મિચ્છામી દુકડમ કર્યું હતું.
અંતમાં અભિષેક ગાલા એ સૌનો આભાર માનીને સમારોહની પુર્ણાહુતી કરી હતી.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા