મસ્કત-ઓમાન ના વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીને “વિશ્વમાનવી ગુજરાતી સન્માન” એવોર્ડ એનાયત થયો.
માંડવી તા. ૧૫/૦૨
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સક્રિય ટ્રસ્ટી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીએ માંડવીનું ગૌરવ વધારેલ છે.
સંસ્થાના પ્રમુખશ્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને મંત્રીશ્રી દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ મસ્કત -ઓમાનના વૈશ્વિક ગુજરાતી સંગઠન (ગ્લોબલ ગુજરાતી ફેડરેશન) તરફથી તાજેતરમાં મસ્કત-ઓમાન મધ્યે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. ચંદ્રકાન્તભાઈ ચોથાણીને “વિશ્વમાનવી ગુજરાતી સન્માન” એવોર્ડ એનાયત કરીને તેમનું સન્માન કરેલ છે.
આ પ્રસંગે વૈશ્વિક ગુજરાતી સંગઠનના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, અમારું સંગઠન ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીને “વિશ્વમાનવી ગુજરાતી સન્માન” એવોર્ડ એનાયત કરતા ગૌરવ અને આનંદ અનુભવે છે. આપને ગુજરાતીતા, ભારતીયતા અને માનવતા માટેની સંવેદના અને પ્રતિવર્ષતાનો સમગ્ર વિશ્વને લાભ મળી રહ્યો છે. વસુધૈવ કુટુંબકમની ભાવના ને આપે જીવનમાં ચરિતાર્થ કરી છે આપની સંસ્થા અને આપે ભારતીય સંસ્કૃતિ વિરાસત અને વારસાના તેજનું જતન અને સંવર્ધન કર્યું છે.
ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીએ પ્રતિષ્ઠાભર્યો એવોર્ડ મેળવીને માંડવી નું ગૌરવ વધારવા બદલ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. મધુકરભાઇ રાણા, વર્તમાન પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ કમલેશભાઈ પાઠક, પૂર્વ પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહ અને અરવિંદભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, સહખજાનચી અશ્વિનભાઈ ગજરા તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ડૉ. ચંદ્રકાંતભાઈ ચોથાણી મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ છે. તેમજ હાલમાં ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા હોવાનું અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
બ્યુરો રિપોર્ટ :- ઇમરાન અવાડીયા