જૂન માસમાં જન્મ થયેલ નિવૃત્ત થયેલા અને નિવૃત્ત થનારા રાજ્યના કર્મચારીઓને એક ઇજાફા (ઇન્ક્રીમેન્ટ) નો ફાયદો થશે.
લાભ પાંચમના બહાર પાડેલા રાજ્ય સરકારના ઠરાવને કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ આવકાર્યો.
માંડવી તા. ૨૧/૧૧
30 જૂનના રોજ વયનિવૃત થતા કર્મચારીઓના કિસ્સામાં નોશનલ ઇજાફા આંકારવા ગુજરાત સરકારે તા. 18/11 ને શનિવારના ઠરાવ બહાર પાડ્યો છે. આ ઠરાવના કારણે જૂન માસમાં જન્મ થયેલ નિવૃત્ત થયેલા અને નિવૃત્ત થનારા ગુજરાત સરકારના કર્મચારીઓને એક ઇજાફા (ઇન્ક્રીમેન્ટ) નો ફાયદો થશે. લાભ પાંચમના દિવસે બહાર પાડેલા ગુજરાત સરકારના ઠરાવને કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજે આવકારેલ છે.
કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, મહામંત્રી પ્રગ્નેશભાઈ છાયા અને પ્રવક્તા દિનેશભાઈ શાહે, ગુજરાત સરકારના નાણા વિભાગના તા. 18/11/2023 વાળા ઠરાવને ટાંકીને જણાવ્યું છે કે, તા. 01/01/2006 બાદ રાજ્ય સરકાર અને પંચાયત સેવાના જે કર્મચારીઓ તા.30 જૂનના રોજ એક વર્ષની નોકરી પૂર્ણ કરી વયનિવૃત્ત થયેલ / થનાર છે તેવા કર્મચારીઓના કિસ્સામાં સાથેની શરતોએ આધીન એક નોશનલ ઇજાફો આકારવાનું ઠરાવવામાં આવે છે.
તા. 30 જૂનના રોજ વય નિવૃત થયેલ/થનાર કર્મચારીઓના કિસ્સામાં એક વર્ષની સેવા પૂર્ણ કરેલી હોવી જોઈએ. તા. 01/01/2006 થી તા. 31/12/2022 સુધી વય નિવૃત થયેલ કર્મચારીઓના કિસ્સામાં 30 જૂનના રોજ નોશનલ ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવાની રહેશે. તા. 01/01/2023 બાદ વયનિવૃત થયેલ/થનાર કર્મચારીઓને કિસ્સામાં 30 જૂનના રોજ ઇજાફો આકારી પેન્શન સુધારણા કરવાની રહેશે.
આ નોશનલ ઇજાફા મુજબ કરેલ પેન્શન સુધારણા નો ખરેખર લાભ તા. 01/07/2023 થી મળવાપાત્ર થશે. તા. 30 જૂન ના રોજ વય નિવૃત થયેલ/થનાર કર્મચારીઓના કિસ્સામાં ખરેખર ઇજાફો મળવાપાત્ર થાય છે કે કેમ? તે અંગે ચકાસવાની થતી સેવાકીય વિગતો અંગેની જરૂરી સૂચનાઓ અલાયદી બહાર પાડવામાં આવશે. કોઈ કર્મચારી દ્વારા સમાન પ્રકારનો લાભ મેળવવા માટે નામ હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવેલ હોય હાલમાં ન્યાયધીન હોય એટલે કે ચુકાદો આવેલ ન હોય એવા કિસ્સામાં પણ આ ઠરાવ મુજબ ઇજાફાનો લાભ આપવાનો રહેશે.
આ ઠરાવનો અમલ પંચાયત સેવાના કર્મચારીઓ અને અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓ કે જેઓના કિસ્સામાં છઠ્ઠા પગાર પંચનો લાભ આપવાની નાણા વિભાગની અનુમતિ આપવામાં આવેલ હોય તેઓના કિસ્સામાં પણ સમાન પ્રકારે કરવાનો રહેશે.
આ ઠરાવ નામ સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે કરેલ હોવાથી ભવિષ્યમાં ચુકાદા બાબતે કોઈ સુધારો થશે તો તેને આધીન રહેશે.
ગુજરાત સરકારે લાભ પાંચમના દિવસે જૂનમાં જન્મેલા કર્મચારીઓને લાભદાયક ઠરાવ બહાર પાડતા સંબંધિત કચ્છના કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું કચ્છ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રવક્તા તથા માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા