માંડવીમાં કચ્છની વિવિધ સંસ્થાઓને જીવદયા અને માનવસેવા માટે રૂપિયા 14 લાખ ઉપરાંત ના ચેક અર્પણ કરાયા.

 

 

માંડવી તા. ૧૬/૧૦

શ્રી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ – માંડવીના ઉપક્રમે ગઇ કાલે તા. 15/10 ને રવિવારના રોજ અજરામર સંપ્રદાયના શ્રમણી સમુદાય વરિષ્ઠા રાજગુરુણી સાધવીરત્ન શ્રી પ્રભાવતીજી મહાસતી નો 95 મો જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા હતા.

માંડવી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘમાં ગચ્છાધિપતિ પ. પૂ. આ.ભ.ભાવચંદ્રજી સ્વામી, વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરજી સ્વામી, ડો. નિરંજનમુનિ આદી ગુરુદેવોએ આશીર્વાદ સંદેશ પાઠવ્યો હતો. પ. પૂ. પ્રભાવતીજી આદિઠાણા ૯ની પાવન નિશ્રામાં અને સંઘના પ્રમુખ પુનિતકુમાર વીરસેન ભાછાના પ્રમુખ સ્થાને યોજાયેલા ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં પ. પૂ. પ્રભાવતીજી મહાસતીજીના મંગલાચરણ અને નવકાર મહામંત્ર સાથે છ કોટી જૈન સંઘના ધર્મસ્થાનકમાં કાર્યક્રમનો શુભારંભ થયો હતો.

પ. પૂ. ચંપકલતાબાઇ મહાસતીજીએ આ પ્રસંગે પૂજ્ય રાજગુરુણી વડેરા મહાસતીજીના 95મા જન્મઉત્સવ ની ઉજવણી જીવદયા, વૈયાવચ્ય વિગેરે કાર્યોથી કરવામાં આવી રહ્યા છે. તે બદલ દાતા પરિવાર અને શ્રી સંઘ ને આશીર્વાદ પ્રદાન કર્યા હતા. તેમણે આરંભ સમારંભથી પર માત્ર જીવદયા અને ધર્મ આરાધનાથી જન્મોત્સવ ઉજવણી કરવાનો મહત્વ વિસ્તારથી સમજાવ્યો હતો.

સ્વાગત પ્રવચનમાં છ કોટી જૈન સંઘના ટ્રસ્ટી શ્રી ચિંતનભાઈએ મહેમાનોને આવકાર્યા હતા. જ્યારે પ્રસંગ પરિચયમાં સંઘના પ્રમુખ શ્રી પુનિતકુમાર વીરસેન ભાછાએ પૂ. પ્રભાવતીજી મહાસતીના 95 માં જન્મદિવસના વિવિધ કાર્યક્રમોની વિગતે માહિતી આપી હતી.

આ પ્રસંગે અભિનય સાથે સ્વાગત ગીત યશવી ગાંધી, અંજલી ગાંધીએ રજૂ કરેલ હતું. જ્યારે વર્ષાબેન બાબરીયા અને વીરતી પુત્રવધુ મહિલા મંડળે પણ ભાવવહી સ્વાગત ગીત રજૂ કરેલ હતું.

દાતા પરિવારના તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રીમતી રમીલાબેન મહેતા (ભુજ) એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં અહિંસા પરમો ધર્મ છે. તેમ જણાવી જીવદયા અને સાધુ સાધ્વીના વૈયાવચ્યને અગ્રતા આપતા જણાવ્યું હતું. તેમણે વાલીઓને મોબાઈલ નો સદુપયોગ કરી પોતાના બાળકો માટે સમય કાઢી ખાસ ધાર્મિક સંસ્કાર આપવા અનુરોધ કર્યો હતો. તેમજ સંપત્તિમાં ભગવાનનો ભાગ રાખવાનું જણાવી પૂજ્ય મોટા મહાસતીજીએ મારા દાદીમાને આપેલ માળા ગણવાના સંસ્કાર ને વારસાની પરંપરા હોવાનું જણાવેલ પોતાને સંઘ અને ડો. નવીનભાઈ વચ્ચે સેતુરૂપ બનવા બદલ પોતાને ધન ભાગી લખાવેલ.

રસિકભાઈ દોશી એ પૂજ્ય મહાસતીજીને જીવંતતીર્થ સ્વરૂપ લેખાવી આજના દિવસે જીવદયા નું કાર્ય કરવા બદલ દાતા પરિવાર અને શ્રી સંઘ ને અભિનંદન પાઠવેલ સાથે રમીલાબેન એ ગુગલ તરીકેની ભૂમિકા ભજવ્યાનું જણાવેલ.

આ પ્રસંગે મુન્દ્રાના નગરપતિ શ્રી કિશોરસિંહ પરમારનું સંઘે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સન્માનના પ્રત્યુતરમાં તેમણે પોતાના જાહેર ક્ષેત્રમાં સારા કામો થાય તે માટે મહાસતીજી પાસે આશીર્વાદ માંગ્યા હતા.

પ. પૂ. પ્રભાવતીબાઈ મહાસતીના 95 માં જન્મદિનને 95 હજારના અનુદાનની નેમચંદભાઈ કે. મહેતા પરિવાર એ ભુજે તેમજ વિવિધ દાતાઓએ પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી રૂપિયાના અનુદાનની જાહેરાત કરી હતી તેમનું પણ સંઘે સન્માન કર્યું હતું.

આ પ્રસંગે આઠકોટી જૈન સંઘના પૂજ્ય મહાસતીજી તેમજ છ કોટી જૈન સંઘના પૂ. અર્પિતાબાઈ મહાસતીએ આશીૅવચન પાઠવ્યા હતા. રાજકોટના આંખના ડો. રાજેન્દ્રભાઈ, રામાણીયાના હીનાબેન, ગુંદાલા ના ઝવેરબેન, માંડવીના કિરણભાઈ સંઘવી, દિનેશ એમ. શાહ, ગીતાબેન વોરા, અહિંસા ધામ, પ્રાગપર ના મુન્દ્રાના હિરેનભાઈ સાવલા, પાંજરાપોળના ટ્રસ્ટી, રામાણીયા, ગુંદાલા, ભોરારા, વિગેરેના ટ્રસ્ટી ગણે પ્રાસંગિક પ્રવચનમાં છ કોટી જૈન સંઘના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. તેમજ પાંજરાપોળના ટ્રસ્ટીઓએ દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

શ્યામ વિમલ પાઠશાળાના બાળકોએ પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા.

આજના કાર્યક્રમનો લાભ બૃહદ કચ્છ – વાગડના છ કોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના 65 સંઘો નું વડા સંઘપતિ તરીકે અઢીદાયકાથી વધુ કુશળ નેતૃત્વ વહન કરનાર સ્વનામ ધન્ય શ્રેષ્ઠિવર્ય સંધરત્ન ચુનીલાલ વેલજી મહેતા ધર્મ વત્સલા માતૃશ્રી પ્રાણકુંવરબેન (હસ્તે :- અમેરિકા ખાતે ડોક્ટર તરીકે યશસ્વી નામના ધરાવનાર ઉદારદીલ ડો. નવીનચંદ્ર ચુનીલાલ મહેતા, શ્રીમતી ડો. રશ્મિબેન નવીનચંદ્ર મહેતા)એ લીધો હતો.

આજના સમારોહમાં દાતા અને હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓના હસ્તે કચ્છની 13 પાંજરાપોળોને દરેકને ₹1,00,000 લેખે કુલ 13 લાખ જેટલી માતબર રકમના ચેક જીવદયા માટે અર્પણ કરાયા હતા. આ પાંજરાપોળમાં કચ્છ માંડવી પાંજરાપોળ અને ગૌશાળા (માંડવી),કચ્છ બિદડા વિશાળ જૈન મહાજન (બિદડા), દિનબંદુ ફાઉન્ડેશન ટ્રસ્ટ (માનવ મંદિર – બિદડા),રતાડીયા ગૌશાળા પાંજરાપોળ (રતાડીયા), શ્રી કચ્છ મુન્દ્રા પાંજરાપોળ અને ગૌશાળા (મુન્દ્રા) ભોરારા જૈન સર્વોદય સેવા સમાજ (ભોરારા), ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર (પ્રાગપર), જૈનાચાર્ય અજરામરજી સ્વામી ગૌશાળા ટ્રસ્ટ (મમાયમોરા – રાપર), સુપાશ્વ જૈન સેવા મંડળ (ભુજ), ગુંદાલા મુંબઈ મહાજન (ગુંદાલા), ભુજ પાંજરાપોળ (ભુજ), લીંબડી મહાજન પાંજરાપોળ (લીંબડી) અને જેતપુર પાંજરાપોળ મહાજન (જેતપુર) નો સમાવેશ થાય છે.

વ્રજલાલભાઈ જેચંદ શાહ તથા ભુપેન્દ્રભાઈ જેચંદ શાહ, હસ્તે:- હર્ષાબેન પ્રદીપભાઈ શાહ તરફથી માંડવીની જુદી જુદી 11 સંસ્થાઓને કુલ 1 લાખ ઉપરાંતના ચેક અર્પણ કરાયા હતા. આ સંસ્થામાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, એક પગલું, જન કલ્યાણ મેડિકલ સોસાયટી, શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપ, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, મણિભદ્ર વીર દાદા ગ્રુપ, નવજીવન જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી, માતૃભૂમિ સેવા ટ્રસ્ટ અને જય જિનેન્દ્ર ભક્તિ મંડળ નો સમાવેશ થાય છે જેને શ્રી સંઘના ટ્રસ્ટીઓએ ચેક અર્પણ કરેલ.

13 પાંજરાપોળોને એક સાથે આપવામાં આવેલ પ્રશસ્તિપત્ર તથા દાતા પરિવારને શ્રી સંઘ તરફથી આપવામાં આવેલ માનપત્ર નું વાંચન જયેશ જી. શાહે કર્યું હતું. રૂપિયા 13લાખ નું માતબર દાન આપનાર ડો. નવીનભાઈ ચુનીલાલ મહેતા અમેરિકા વતી શ્રી રમીલાબેન મહેતા પરિવારનું શ્રી સંઘે માનપત્ર, શાલ, માળાથી વિશિષ્ટ બહુમાન કરેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવીએ કરેલ હતું. જ્યારે પુનિતભાઈ એમ. શાહ લાકડવાળા એ આભાર દર્શન કરેલ હતું. સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા સંઘના પ્રમુખ પુનિતભાઈ વી. ભાછા, ઉપપ્રમુખ મહેશભાઈ મહેતા, મંત્રી નીતિનભાઈ આર. શાહ અને ખજાનચી જયેશભાઈ જી. શાહ તથા ટ્રસ્ટી મંડળના ચિંતનભાઈ મહેતા, પુનિતભાઈ એમ. શાહ, શીતલભાઈ સંઘવી, રાજેન્દ્ર માણેકલાલ શાહ, અશ્વિનભાઈ મહેતા, નીતિનભાઈ ગાંધી અને રાહુલભાઈ એમ. સંઘવીએ જહેમત ઉઠાવી હતી.

આજના કાર્યક્રમમાં સાધમીૅક ભક્તિનો લાભ કમળાબેન નવીનચંદ્ર વિકમસી મહેતા પરિવારે લીધો હતો કચ્છ કંઠી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર વગેરે ગામેગામ શ્રી ગુરુભક્ત પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય ગુરુમાંના આશીર્વાદ મેળવ્યા હતા.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *