માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી મળે તે માટે સર્વેની કામગીરી કરાવવા કાઉન્સિલના પ્રતિનિધિ મંડળને હૈયા ધારણ સંસદ સભ્યે આપી હતી.
માંડવીને નજીકના સમયમાં એરપોર્ટ મળશે તેની માહિતી પણ આપી.
માંડવી તા. ૨૮/૦૯
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત માંડવી કોમ્પ્રેહેન્સીવ કાઉન્સિલ માંડવી સર્વાંગીણ વિકાસ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે, આજે ગુરુવારે કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા ની ભુજ મધ્યે મુલાકાત લઈ માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી અપાવવા રજૂઆત કરી હતી.
કાઉન્સિલના આ પ્રતિનિધિ મંડળમાં વાડીલાલભાઈ દોશી (પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ), દીપકભાઈ પંડ્યા (પ્રમુખ કચ્છ માઈન- મિનરલ્સ એન્ડ ઈન્ડ. એસો.), લિનેશભાઈ શાહ (પ્રમુખ માંડવી મર્ચન્ટ એસો.), રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને સામાજિક અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહ તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક જોડાયા હતા.
કાઉન્સિલના આ પ્રતિનિધિ મંડળે કચ્છના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડાને કચ્છી પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમજ માંડવીને ઝડપથી રેલ્વે અપાવવા લેખિત રજૂઆત કરી હતી.
કાઉન્સિલના સભ્ય અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વાડીલાલભાઈ દોશી એ જણાવ્યું હતું કે, માંડવીને રેલ્વે મળે તે માટે ની જૂની રજૂઆત છે. માંડવીને રેલ્વેની ખૂબ જ જરૂરિયાત છે. તેથી માંડવીને રેલ્વે અપાવવા દિલ્હી રજૂઆત કરવા સંસદ સભ્યને જણાવ્યું હતું. કાઉન્સિલના બીજા સભ્ય શ્રી અને કચ્છ માઈન મિનરલ્સ એન્ડ ઇન્ડ. એસો. ના પ્રમુખ દીપકભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે હાલમાં વર્ષે 17 લાખ ટન બેન્ટોનાઈટ ની નિકાસ રોડ – રેલ્વે અને દરિયાઈ માર્ગે થાય છે. તેથી ઘણું મોંઘું પડે છે જો માંડવીને રેલવે મળે તો ઘણું સસ્તું પડે આમ માંડવીને રેલ્વેની તાતી જરૂરિયાત જણાવી હતી.
કચ્છના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રતિનિધિ માંડવીની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને હકારાત્મક અભિગમ દાખવી જણાવ્યું હતું કે, માંડવીને રેલવે મળે તે માટે પોતે રજૂઆત કરશે તેમજ સર્વેની કામગીરી ઝડપથી કરાવવા પ્રતિનિધિ મંડળને હૈયાધારણ આપી હતી. તેમણે પ્રતિનિધિ મંડળને માહિતી આપતા જણાવ્યું હતું કે, માંડવીને નજીકના સમયમાં એરપોર્ટ મળશે. માંડવીના બીચ ના
વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તેથી જ અત્યારે પ્રવાસીઓની અવરજવર થી બીચ ધમધમે છે. શ્યામજી કૃષ્ણ વર્માનું અધતન સ્મારક પણ મોદી સાહેબે બનાવેલ છે તેમ જણાવ્યું હોવાનું કાઉન્સિલના સભ્ય તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સામાજિક અગ્રણી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા