નખશિખ આંબેડકરવાદી ડી. જે. સોમૈયાસાહેબની ચિર વિદાય.
ઓસ્ટ્રેલિયા દીકરીને મળવા ગયા અને ત્યાં જ હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન થયું.
*આવતીકાલે સવારે 11.00 વાગ્યે તેમનો નશ્વર દેહ ઓસ્ટ્રેલિયાથી રાજકોટ લાવવામાં આવશે.
તેમના નિવાસસ્થાન સુગમ સોસાયટી બૌદ્ધ વિહાર ખાતે અંતિમ દર્શનાર્થે ત્રણેક કલાક રાખ્યા પછી મુળિલા (તા. કાલાવડ) ખાતે અંતિમ ક્રિયા થશે.
ગુજરાતે શુધ્ધ, સાત્ત્વિક, પ્યોર આંબેડકરવાદી વડલાની છત્રછાયા ગુમાવી.
ગુજરાતની ફૂલે-આંબેડકર વિચારધારાના વાહક અને નખશિખ બૌદ્ધિસ્ટ એવા આયુ.ડી.જે.સોમૈયા સાહેબનું 15મી ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયામાં નિધન થયું છે. ત્યાં સ્થાયી થયેલી તેમની દીકરી વીણા પાસે તેના ઘેર પહોંચ્યા જ હતા અને થાક તથા વધુ પડતો શરીરશ્રમ થતાં હાર્ટએટેક આવતા તેઓનું દુઃખદ નિધન થયું હતું.
તેમના જેવા નખશિખ આંબેડકરવાદી ઘેઘૂર વડલાની વિદાયથી ગુજરાતના આંબેડકર વાદીઓએ જાણે કે પિતૃતૂલ્ય વ્યક્તિની છત્રછાયા ગુમાવી છે.
ડી.જે.સોમૈયા મૂળ કાલાવડ તાલુકાના મુળિલા ગામના વતની. પુરું નામ ડાયાભાઈ જશાભાઈ સોમૈયા. તા. 01/09/1941 ના રોજ મૂળિલામાં ગરીબ પછાત પરિવારમાં જન્મેલા ડાયાભાઈ નાનપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. ભારત દેશ આઝાદ થયો પણ દલિત સમાજ હજુ ગુલામ જ હતો. તેથી પ્રજાસત્તાક ભારતમાં તેઓ ચાર ભાઈ-બહેન ગામની નિશાળમાં ભણવાતો બેઠા પણ અસ્પૃશ્યતાને લીધે ભણી ન શક્યા. જેથી મોટાભાઈની સાથે ડાયાભાઈ પણ અમદાવાદ ભણવા ગયા. પરંતુ મોટાભાઈ બિમાર થતા ચાર ઘોરણ પછી બન્ને ભાઈ મૂળિલા પરત ફર્યા. દરમિયાન ભાઈનું અવસાન થયું અને ડાયાભાઈ ધુતારપર ગામે મોટા બહેન હીરાબહેન સાથે રહીને છ ધોરણ સુધી ભણ્યા. ધોધમાર વરસાદમાં લાકડા લેવા ગયેલા બહેન નદીના પૂરમાં તણાઈ ગયા અને અવસાન પામ્યા. જેથી ડાયાભાઈનો અભ્યાસ ફરી અટક્યો. સદ્ નસીબે જામખંભાળિયામાં મેઘજી પેથરાજ શાહ છાત્રાલય માં પ્રવેશ મળતા ધોરણ 7 થી 9નો અભ્યાસ પૂરો કર્યો. પણ છાત્રાલય ઝઘડો થતાં રાત્રે રેલના પાટે પાટે ચાલીને તથા સિંહણ રેલવે સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને રાજકોટ આવ્યા અને ઠક્કરબાપા છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો અને ચૌધરી હાઈસ્કૂલમાં ઓલ્ડ એસ. એસ. સી. પુરું કરીને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં ઈકોનોમિક વિષય સાથે ગ્રેજ્યુએટ થયા. પછી એમ. એમ. ડબલ્યુ. નો અભ્યાસ કરવા વડોદરા ગયા પણ એ અભ્યાસ પણ અધુરો રહ્યો. 1967માં તેમના લગ્ન જયાબહેન સાથે થયા. 1970માં તેમને રાજકોટ એ. જી. ઓફિસમાં નોકરી મળી. ક્રાંતિકારી વિચાર ધરાવતા ડી. જે. સોમૈયા અન્યાય સામે અવાજ ઉઠાવતાં થયા. પોતાની જ ઓફિસમાં 98 જેટલી જગ્યાઓ ભરવા અને બેકલોગ જાળવવા તેઓએ હાઈકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા. પરંતુ જાતિવાદી વ્યવસ્થામાં તેમને ન્યાય ન જ મળ્યો. જેથી નારાજ થઈ નિવૃત્તિના પાંચ વર્ષ પહેલા જ તેઓએ સ્વેચ્છાએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું.
આ લડત દરમિયાન તેમનો પરિચય બામસેફના સ્થાપક ડી. કે. ખાપરડે સાથે થયો અને ફુલે-આંબેડકરી વિચારધારાને આજીવન સમર્પિત ડી. જે. સોમૈયા સાહેબનો જન્મ થયો. આંબેડકરી વિચારધારાના પ્રચાર પ્રસાર માટે જ તેમણે નોકરી છોડી. અને આજીવન એ વિચારધારા નો પ્રચાર પ્રસાર કર્યો.
રાજકોટમાં સ્થાયી થયેલા સોમૈયા સાહેબે બાબાસાહેબ આંબેડકરના સપનાનું ભારત નિર્માણ કરવા ઘરથી જ શરૂઆત કરી. સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવી વિદેશ સ્થાયી કર્યા. અને પોતે આજીવન આંબેડકરી ચળવળને સમર્પિત બન્યા.
તેમના પારિવારિક સારામાઠા પ્રસંગોમાં પણ તેઓએ કુરિવાજો અને ખોટી માન્યતાઓને તિલાંજલિ આપી. પ્રસંગ ગમે તેવો હોય… સોમૈયાસાહેબ તેને આંબેડકરી વિચારધારા સ્વરૂપે જ ઉજવે. મૂળે તેઓ બામસેફના કાર્યકર. રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના હોદ્દા ભોગવી ચૂકેલા. વિચારધારામાં ક્યારેય કોઈપણ ભોગે બાંધછોડ ન જ કરે. કડવું પણ સત્ય જ બોલે અને સમાજને શબ્દોરૂપી ચાબખા મારી જગાડે. અંધશ્રદ્ધા અને કુરીવાજોની ખાઈમાંથી અનુસૂચિત જાતિના લોકોને બહાર કાઢવાનું કપરું પણ ભગીરથ કાર્ય તેમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કર્યું.
એકવાર કાલાવડની ક્રિકેટ ટીમ રાજકોટ ટુર્નામેન્ટ રમવા આવેલી. સોમૈયાસાહેબને ખબર પડી કે કાલાવડની ટીમ છે તો આખી ટીમને પોતાના ઘરે લઈ ગયા અને હોંશે હોંશે બધાને જમાડ્યા. પછી તો સોમૈયાસાહેબ સાથે આખા ગુજરાતના લોકોને જાણે કે પારિવારિક નાતો જ બંધાયો.
અમારા પરિવારને પણ પપ્પાને લીધે સોમૈયા સાહેબ સાથે જાણે કે પારિવારિક સંબંધ સ્થાપિત થયો. સોમૈયા સાહેબ કાલાવડ આવે તો અચૂક અમારા ઘરે આવે. મૂળિલામાં તેમની ખેતીની જમીન હતી. તેના દાખલા કે બીજું કોઈ પણ કામ પપ્પા કરી આપતા. સોમૈયાસાહેબને કાલાવડ ધક્કો ન ખવરાવતા. મારે પણ આંબેડકરી વિચારધારા સંદર્ભે સતત તેમના ઘેર જવાનું થાય કે ક્યાંક કાર્યક્રમમાં તેમની સાથે જવાનું થાય તો તેમની ઉર્જા જોઈને પ્રેરણા મળતી. બામસેફના કે આંબેડકરી વિચારધારા કાર્યક્રમમાં ઘણીવાર તેમની સાથે આયોજન કે સ્ટેજ શેર કરવાનું બન્યું છે. એમની ઊર્જા અને પ્રતિબદ્ધતા એવી કે સામે દશ માણસો હોય કે દશ હજાર… એ પોતાની વાત મજબૂતાઈથી જ મૂકતા. બોલ્યે આખાબોલા અને આકરા પણ ખરા. તેથી જેવાતેવા લોકોનું તો કામ જ નહીં તેમની સામે ટકવાનુ.
રાજકોટમાં સુગમ સોસાયટીમાં આવેલું તેમનું ઘર પણ જાણે કે આંબેડકરી વિચારધારાનું તીર્થસ્થાન. બુધ્ધ અને બાબાસાહેબ સિવાય બીજી કોઈ વાત નહીં. ક્યાય ન મળે તેવા મૂલ્યવાન પુસ્તકો તેમની પાસે હોય. રાજકોટ કે સૌરાષ્ટ્રમાં આંબેડકરી મુવમેન્ટ ફેલાવવામાં તેમનો સિંહફાળો. પોતાની કારમાં ઉપર બાબાસાહેબનો મોટો ફોટો હોય… અને ‘જય ભીમ’ના ઝંડા વાળો તેમનો ક્રાંતિરથ રોજ સાંજે નિકળી પડે. આજુબાજુના ગામડા અને સારામાઠા પ્રસંગોમાં તે પહોંચી જાય અને માઈક હોય કે ન હોય… પોતાની તેજાબી વાણી થકી લોકોને જગાડવાનું જબ્બર કામ તેમણે વર્ષો સુધી કર્યું. તેમની સાથે બીજા કોઈ હોય કે ન હોય… તેમના અર્ધાંગના જયાબહેન તો હોય જ. ઘરમાં તો ખરા જ, પણ મુવમેન્ટના પ્રચાર પ્રસારમાં પણ જયાબહેન આ રીતે સાહેબની સાથે જ હોય. અને ખાલી સથવારો કરાવવા નહીં… માઈક હાથમાં લઈ બહેનોને જગાડવાનું અગત્યનું કામ પણ જયાબહેન કરે.
પોતાની સોસાયટીમાં ઘર સામેના પ્લોટમાં જ સોમૈયાસાહેબે બુધ્ધ વિહાર બનાવ્યું. પોતે પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ચિવર ધારણ કર્યા અને સમ્રાટ ધમ્મરાજ એવું નામ ગ્રહણ કર્યું. ધમ્મના પ્રચાર માટે અને આંબેડકરી વિચારધારાના પ્રચાર પ્રસાર માટે તેઓ આજીવન કાર્યરત રહ્યા. ટ્રસ્ટ બનાવી તેમણે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે પણ અનેક પ્રકલ્પો હાથ ધર્યા. તેઓ મારી પાસે ભગવાન બુધ્ધ અને બાબાસાહેબ આંબેડકરના જીવન પરિચય સંદર્ભે પત્રિકા લખાવતા અને પોતાના ખર્ચે પ્રકાશિત કરી આંબેડકર જયંતીએ લોકોને વહેચતા. નવરાત્રી દરમિયાન તેઓ ભીમરાત્રીની ઉજવણી કરતા અને ભીમ રાસોત્સવ પણ યોજતા. જેમાં દરરોજ એકાદ બે વક્તા આવી આંબેડકરી વિચારધારાની વાત કરે. મારે પણ એવા કાર્યક્રમમાં વક્તા તરીકે જવાનું થયું છે.
2010માં બાયપાસ સર્જરી કરાવી… અને ઉંમર થઈ હોવા છતાં તેમનો ઉત્સાહ જરાય ઓસર્યો નહોતો. કરણાભાઈ માલધારી કે જયંતીભાઈ મનાણી સાથે તેઓ ઝૂંપડપટ્ટી આંદોલનમાં પણ જોડાયા અને રૈયાધારના ઐતિહાસિક આંદોલન વખતે પોતાનો બંગલો છોડી ત્યાં ઝૂંપડપટ્ટીમાં ગરીબો સાથે રહેવા પણ ગયા.
સોમૈયાસાહેબે SC ST OBC માઈનોરિટીની એકતા માટે પણ જબરું કામ કર્યું. મૂળનિવાસી મુવમેન્ટના તેઓ કાયમી હિતેચ્છુ અને સમર્થક રહ્યા. બામસેફના કાર્ય માટે તેઓ દેશ અને દુનિયામાં ફર્યા. અને અસ્પૃશ્યતા જેવા ભેદભાવથી પોતાના સંતાનોને બચાવવા બે દીકરા અને એક દીકરીને પણ વિદેશમાં સેટ કર્યા. આજે તેમના સંતાનો આર્થિક રીતે સમૃદ્ધ બની તંદુરસ્ત સમાજના બાબાસાહેબના સપનાને સાકાર કરી રહ્યા.
ભીમરાવ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ તેમણે મેડિકલ કેમ્પ, ટયૂશન ક્લાસ સહિતની અનેક સમાજ હિતની પ્રવૃત્તિઓ આરંભી.
તેઓ સંતાનો પાસે વિદેશ જાય તો ત્યાં પણ મૂવમેન્ટના કામમાં વ્યસ્ત રહે.
લગ્ન કે મરણ પ્રસંગે તેઓ સમાજ જાગૃતિ સંદર્ભની અગત્યની વાત કર્યા કરતા. તેઓ રોકડ રકમ કે વાસણ આપવાને બદલે લોકોને પુસ્તકો આપતા અને પોતાના પેન્સનની રકમ ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવામાં વાપરતા.
આવા સોમૈયા સાહેબના જવાથી ગુજરાત અને દેશમાં પણ આંબેડકરી વિચારધારાને ન પૂરી શકાય તેવી જબરી ખોટ પડી છે. તેમના અધુરા કાર્યોને પુરા કરવા આપણે સૌ સંકલ્પબધ્ધ બનીએ એ જ એમને આપેલી ઉચિત અંજલિ ગણાય.
એમનો નસ્વર દેહ આવતીકાલે સવારે 11.00 વાગ્યે ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવશે અને તેમના નિવાસસ્થાને સુગમ સોસાયટીના ગૌતમ બુદ્ધ વિહાર ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. ત્યારબાદ તેમના વતન મુળિલા (કાલાવડ) ખાતે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવશે.
અહેવાલ :- ભરત રાઠોડ, કાલાવડ