અંજાર, તા.૨૮/૧૨/૨૦૨૩,
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત સરકાર તથા સંબંધિત વિભાગો ને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે કે ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લા ના ભુજ અને નખત્રાણા તાલુકા ના ઉત્તર વિસ્તારમાં એક મોટો વિસ્તાર છે જે ‘બન્ની વિસ્તાર’ નામે ઓળખાય છે. આ વિસ્તારમાં અંદાજીત ૧૯ જેટલી ગ્રામપંચાયતો જેમાં ૫૮ જેટલા નાના-મોટા ગામડાઓ આવેલાં છે. અંદાજીત ૪૦ થી ૫૦ હજાર ની વસ્તી ધરાવતાં આ બન્ની વિસ્તાર માં અનેક સમસ્યાઓ રહેલી છે. આ વિસ્તારમાં વસવાટ કરતા મોટા ભાગના લોકો પશુ પાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. અંદાજે ૨૫૦૦૦૦ (અઢી લાખ) જેટલા દુધાળા પશુઓ ધરાવતો બન્ની વિસ્તાર પુરા કચ્છ જીલ્લામાં દૂધ ના ઉત્પાદન માં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. આ વિસ્તારમાં છેલ્લા ૫૦૦ વર્ષો થી મોટાભાગ ના સિંધી મુસ્લિમ સમાજના પરિવારો વસવાટ કરે છે. દેશની આઝાદી પછી નવા સમીકરણો બાદ થયેલ જમીનની માપણીઓ માં આ વિસ્તાર ને જંગલખાતા વિસ્તારમાં સમાવેશ કરાયેલ છે. જેમાં ૫૦૦ વર્ષો થી વસવાટ કરતા આ વિસ્તાર ના ગામતળ ને પણ સમાવી લેવમાં આવેલ છે. જે જોતા જેતે સમયે શરત ચુકતા ના કારણે આ વિસ્તારના ગામતળ કે સીમતળ તરીકે નીમ કરાયેલ નથી. આ વિસ્તાર ના નાગરિકો છેલ્લા ૫૦૦ વર્ષો થી ગામોમાં પોતાની માલિકીપણા ના કાચા-પાકા મકાનો બનાવી વસવાટ કરે છે ત્યારે સરકારશ્રી દ્વારા વહેલી તકે ગામતળો, સીમતળો નીમ કરી રેવેન્યુ વિલેજ તરીકે દરજ્જો આપી આ વિસ્તારમાં વસતાં લોકોને તેમના મકાનો ના માલિકી હક્કો સુપ્રત કરવા તેમજ દરેક ગામોની સીમતળ નીમ કરી વસવાટ કરતા પરિવારો ને કુટુંબની જનસંખ્યા પ્રમાણે આજીવિકા માટે ખેતીની જમીન પ્રતિ પરિવાર ૨૦ એકર જમીન ફાળવવા તેમજ ગામ ના દુધારું પશુઓ ની સંખ્યા પ્રમાણે જરૂરિયાત મુજબ ગૌચર (ચરિયાણ) નીમ કરવા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અગાઉ પણ ગામતળો નીમ કરવા સામાજિક સંસ્થાઓ, લોકપ્રતિનિધિઓ અને સ્થાનિકો દ્વારા સરકાર ને રજુઆતો કરવામાં આવેલ છે. સ્થાનિકો ના જણાવ્યા મુજબ બન્ની વિસ્તાર ને રેવેન્યુ દરજ્જો આપી લોકોની જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવા રાજ્ય સરકાર દ્વારા ‘સેટલમેન્ટ અધિકારી’ ની નિમણુંક કરવામાં આવેલ છે. હજી સુધી તેમને સોંપવામાં આવેલ જવાબદારી પર હાજર થઇ કાર્ય શરુ કરેલ નથી. જેથી વહેલી તકે તે આ કાર્યમાં જોડાય તેમજ લોકોની માંગણીઓ મુજબ રાજ્ય સરકાર દ્વારા લોકો ને જમીનની ફાળવણી કરી યોગ્ય આદેશ કરવા રાજ્ય સરકાર ને રજૂઆત કરાઈ છે.
બન્ની વિસ્તાર વિકાસ ની દૃષ્ટિ એ પણ ઘણો જ પછાત રહી ગયેલ છે. આ વિસ્તારમાં આધુનિક શૈક્ષણિક સેવાઓ અને આરોગ્ય લક્ષી સેવાઓ થી પણ હાલ વંચિત છે. આ વિસ્તાર સાથે રેવેન્યુ વિલેજ ધરાવતાં અન્ય ગામો નો સમાવેશ કરીએ તો અંદાજીત 1 લાખ જેટલી વસ્તી ધરાવતાં આ પછાત વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શૈક્ષણિક કેમ્પસ, તેમજ ૫૦ બેડ સાથે ની તમામ સુવિધાઓ રહિતનું એક આધુનિક હોસ્પિટલ નું નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે જેથી આ વિસ્તારના તમામ લોકોને આધુનિક શિક્ષણ અને આરોગ્ય લક્ષી આધુનિક સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય. જે માટે રાજ્ય સરકાર દ્વારા ત્વરીકે આ વિસ્તારના સ્થાનિકો દ્વારા સ્થળ પસંદગી કરાવી વહેલી તકે હોસ્પિટલ અને શૈક્ષણિક કેમ્પસના નિર્માણ માટે યોગ્ય આદેશ થવા રજૂઆત કરાઈ છે. આ વિસ્તારમાં રાજ્ય સરકારે લાખો એકર જમીન ઉદ્યોગપતિઓ ને લીઝ થી આપેલ છે. આ ઉદ્યોગકારો વાર્ષિક અરબો રૂપિયાનું રેવેન્યુ આ જમીન પર સ્થપાયેલા ઉદ્યોગો માંથી મેળવે છે. આ ઉદ્યોગકારો ને પણ આ વિસ્તારમાં જાહેર સુખ-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ફરજ પૈકીનો એક ભાગ છે. જેથી રાજ્ય સરકાર ને આ ઉદ્યોગ ગૃહોને લોકભાગીદારી સાથે આ બન્ની વિસ્તાર નો વિકાસ સાધવા સહિયારો પ્રયાસ કરે તેવી ફરજ પાડવા રજૂઆત કરાઈ છે.
બન્ની વિસ્તારના ધોરડો ગામે વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ‘સફેદ રણ’ આવેલું છે. જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ તેને નિહાળવા આ વિસ્તાર ની મુલાકાતે આવે છે. સાથે સાથે દર વર્ષે સફેદ રણ ખાતે ‘રણોત્સવ’ નું પણ ધમાકેદાર આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. બન્ની ના ધોરડો આવતા લાખો પર્યટકો ને પણ અહીં સુવિધાઓ રહિત હોસ્પિટલ નું નિર્માણ થાય તો તે ખાસ ઉપયોગી બની શકે છે. આમ કચ્છ જીલ્લા ના બન્ની વિસ્તાર ને કનડતી તમામ સમસ્યાઓ ને દુર કરવા અને આ વિસ્તાર ને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા, સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, તેમજ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ઇનામુલહક્ક ઈરાકી, ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-કચ્છ ના પ્રમુખ સૈયદ હૈદરશા પીર, ગુજરાત પ્રદેશ મહામંત્રી અનવરશા સૈયદ, યુવા સમિતિના પ્રમુખ હાજી સુલતાનભાઈ માંજોઠી, આરોગ્ય સમિતિના પ્રમુખ સૈયદ હબીબશા, સંસ્થાના ટ્રસ્ટી હાજી નુરમામદભાઈ રાયમા, યુસુફભાઈ સંઘાર, નાસીરખાન પઠાણ, શાહનાવાઝભાઈ શેખ, સાદીકભાઇ રાયમા, અબ્દુલરસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, નજીબભાઈ અબ્બાસી, રફીકભાઈ બારા, મૌલાના અબુદુજાના, મહેબુબભાઈ ભીમાણી, ઈદ્રીશભાઈ વોરા તેમજ સંસ્થા ના હોદેદારો હાજી દાઉદભાઈ બોલીયા, મોહમ્મદઅલી કાદરી, બદરુદીન હાલાણી, અકરમભાઈ કુરેશી, હાજી અ.રઝાકભાઈ ખત્રી, રફીકભાઈ તુર્ક, હાજી નુરમામદ મંધરા, હાજી ઈસ્માઈલભાઈ મંધરા, હનીફભાઈ મેમણ, અબ્દુલભાઈ આગરીયા, અશરફભાઈ તુર્ક, ઈમ્તિયાઝભાઈ મોયડા, હારૂનભાઈ કુંભાર, સુલતાનભાઇ કુંભાર, સુલતાનભાઇ આગરીયા, મહેમુદભાઈ સુમરા, યુનુસભાઈ પિંજારા, રમઝાનભાઈ બાયડ, ઇકબાલભાઈ દેદા, ફકીરમામદભાઈ રાયસી, મૌલાના સાલેમામદ દરાડ, રમઝાનભાઈ રાઉમા, લતીફભાઈ ખલીફા, ઉમરભાઈ જીયેજા, સબ્બીરભાઈ બાયડ સંસ્થા સમસ્ત પરિવારે દ્વારા રાજ્ય સરકાર ને રજૂઆત કરાઈ છે. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા