સેવાભાવ સાથે જીવન જીવનારાનું સ્થાન હમેંશા લોક હૃદયમાં જીવંત રહે છેતારાચંદભાઈ છેડાની ૭૩ મી જન્મજયંતિ નિમિત્તે સેવાકીય સંસ્થાઓને અપાયું અનુદાન, આયુર્વેદિક કેમ્પ યોજાયો, ઉચ્ચ અભ્યાસ કરતાં છાત્રો માટે વાંચન લાયબ્રેરી બનાવવાનો નિર્ણય
(ભુજ) જીવન અને મૃત્યુ એ કુદરતનો ક્રમ છે. પરંતુ સેવાભાવ સાથે જીવન જીવનારાનું સ્થાન હમેંશા લોકહ્રદયમાં જીવંત રહે છે. આ શબ્દો સાથે દિવંગત લોકનેતા અને પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાને ૭૩ મી જન્મજયંતિ પ્રસંગે ભાવપૂર્ણ અંજલિ અર્પતા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદએ તેમના સેવાકીય કાર્યોને યાદ કર્યા હતા.
દુષ્કાળમાં પશુરક્ષા ઉપરાંત આરોગ્ય, શૈક્ષણિક સહિત કુદરતી આપત્તિ દરમ્યાન સેવાકીય કાર્યોની ધૂણી ધુખાવનાર તારાચંદભાઈને મહામાનવ ગણાવી તેમનું જીવન સેવાકીય ક્ષેત્રે સૌ માટે પ્રેરણાદાયી હોવાનું દેવજીભાઈએ જણાવ્યું હતું. વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમણે તારાચંદભાઈને કચ્છમાં ભાજપના પાયાના પથ્થર ગણાવ્યા હતા. ભુજ મધ્યે દિવંગત તારાચંદભાઈ છેડાની ૭૩ મી જન્મજયંતિ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે તારાચંદભાઈએ કરેલ સેવાકીય કાર્યોના સંભારણા વાગોળ્યા હતા. આરએસએસના સંધ સંચાલક શ્રી નવીનભાઈ વ્યાસ, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સંસ્થાના દલીચંદભાઈ મહેતાએ ભાવુક સુરે તારાચંદભાઈએ કચ્છના દુષ્કાળ દરમ્યાન હજારો ગાયોને બચાવવા માટે કરેલ ભગીરથ પ્રયાસોને યાદ કર્યા હતા. આ પ્રસંગે બન્ને સંસ્થાઓ શ્રી સર્વ સેવા સંઘ અને શ્રી કવીઓ જૈન મહાજન ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારા પૂ. પિતાશ્રીએ કંડારેલી સેવાની કેડીએ પોતે ઈમાનદારી સાથે આગળ વધવા કૃતનિશ્ચયી છે. આજે માતુશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે હંસાબેન તારાચંદ છેડા પરિવાર દ્વારા પ્રેરણાદાયી સેવા કાર્યો કરનાર સેવાભાવીઓ મિતેશ શાહ (આરોગ્ય), મનીષ નિરંજન (પસ્તીગ્રુપ, શિક્ષણ), રતનભાઈ ગઢવી, (ગૌ રક્ષા) પ્રત્યેકને રૂ.૫૧,૦૦૦ હરેશ જણસારી (રેનબસેરા, માનવસેવા) ને વોશિંગ મશીનનું અનુદાન અપાયું છે. હજી પણ અન્ય સંસ્થાઓને અનુદાનમાં આવરી લેવાશે. આ પ્રસંગે જીગર છેડાએ ભુજ સ્થિત શ્રી સર્વ સેવા સંઘ ભવનનું રીનોવેશન કરી અહીં ઉચ્ચ અભ્યાસ કરનારા છાત્રો માટે અદ્યતન વાંચન લાયબ્રેરી બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. તેમણે સેવાકીય કાર્યોમાં પ્રેરણા આપનારા સૌ નો પરિવારવતી આભાર માન્યો હતો. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી,ટેકસ વિભાગના ચેરમેન શ્રી ધીરેનભાઇ લાલન, હંસાબેન તારાચંદભાઈ છેડા,ગીરીશભાઈ છેડા, લહેરીભાઈ છેડા, જયેશ છેડા, ભુજ જૈન સમાજના પ્રમુખ સ્મિત ઝવેરી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી,વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સંપર્ક સંયોજક શ્રી ચંદુભાઈ રૈયાણી, સહિત અન્ય આગેવાનો, બન્ને સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૈનરત્ન, અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાની ૭૩ મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા નિ:શુલ્ક આયુર્વેદિક મેગા મેડિકલ કેમ્પને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સેવાકીય સંસ્થાઓ વતી પોતાની લાગણી વ્યક્ત કરતાં મિતેશ શાહે જણાવ્યું હતું કે, તારાચંદભાઈના જીવનમાંથી તેમના જેવા અનેક કાર્યકરોને સેવાકીય કાર્યોની પ્રેરણા મળતી રહે છે. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ભટ્ટએ જ્યારે આભારવિધિ વિનોદભાઈ ગાલાએ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે વૈધ ડૉ.પ્રતિક પંડયા અને તેમની ટીમ તથા સંસ્થાના મેનેજર શ્રી અંકિત ગાલા અને શ્ર હરનીશભાઇ મહેતાએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ:- ઇમરાન અવાડીયા