દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં ચંદ્રયાન-૩ ની થીમ સાથે ગણેશ ઉત્સવ

દ્વારકાના શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં પણ આ વર્ષે ગણેશ ઉત્સવની વિશેષ ઊજવણી કરાઈ રહી છે જેમાં દેશની તાજેતરમાં વિશ્વસ્તરીય સિદ્ધિ મીશન મૂનને સફળતાં મળતાં ચંદ્રયાન-૩ની થીમ સાથેના ગણેશજીની મૂર્તિ – શૃંગાર યોજાયા હતા.

દ્વારકાના વસઈ રોડ પર આવેલ શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય ગુરૂકુલમાં પણ સમગ્ર દેશની જેમ ગણેશોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી રહી છે. ગણેશજીના અનેક નામો પૈકી એક નામ ગણપતિ. વિદ્યા, જ્ઞાનનું નિત્ય સેવન અર્જન કરનાર એટલે વિદ્યાર્થી. જેમની છત્રછાયાથી સમસ્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા છાત્ર (વિદ્યાર્થી)ના સ્વામી એટલે ગણપતિ. ભારતને વિશ્વ ફલક પર અવકાશ ક્ષેત્રે અનેરી સિધ્ધિ અપાવવા બદલ ભારતીય વૈજ્ઞાનિકોની ચોમેર પ્રશંસા થઈ રહી છે ત્યારે ચંદ્રયાન-૩ ની સફળતાં બાદ તેની થીમ સાથે શંકરાચાર્ય ગુરૂકુલમાં ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહયો છે.

પૌરાણિક કથાનુસાર ચંદ્રદેવ દ્વારા ગણેશજીનું અપમાન કરાયા બાદ ચંદ્રની ક્ષમાયાચનાથી સંતુષ્ટ ગણેશજીએ ચંદ્રદેવને આશીર્વાદ આપ્યા. ગણેશ ચતુર્થીના દિવસે ભારતવર્ષમાં ત્રણ થી લઈને દસ દિવસ સુધીના ગણેશોત્સવ મનાવવામાં આવે છે. શંકરાચાર્ય ગુરૂકુલમના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચારના આશીર્વાદરૂપી ભાથુ લઈ ચંદ્રયાન-૩ થકી ચંદ્રલોક પર દ્વિજરાજ ચંદ્રદેવને ભાવાંજલિ પ્રાપ્ત થા તે હેતુથી અને સદૈવ ચંદ્રદેવ જેવી શીતળતાને સૌમ્યતા જન-જનમાં પ્રસારિત થાય તેવા ઉદાત વિચાર વડે ખૂબ જ ઉમંગ ઉલ્લાસપૂર્વક ભજન, કીર્તન, ગણપતિ અથર્વશીર્ષના પાઠ, વિવિધ ઉપચારથી પૂજન, અભિષેક જેવા અનેક ઉપકર્મો દ્વારા નિત્ય દાદાને રીઝવવાનો પ્રયત્ન ઋષિકુમારો કરી રહયા છે. શંકરાચાર્ય ગુરૂકુલમ્ પરિવાર દ્વારા સમસ્ત ઓખામંડળવાસીઓને ગણેશજીના દિવ્ય દર્શનની ઝાંખી કરવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

અહેવાલ :- અનિલ લાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *